EDએ વડોદરામાંથી 1646 કરોડના બીટકોઈન જપ્ત કર્યા, 3700 ટકા વળતર આપવાની લાલચે કૌભાંડ કર્યું

વડોદરા: વડોદરામાં ગત સપ્તાહ EDની ટીમે દરોડા પાડ્યા હતા, જેમાં EDએ શહેરમાંથી 1646 કરોડના બીટકોઈન જપ્ત કર્યા હતા. EDની ટીમે અલકાપુરીમાં આવેલ અલકાપુરી સોસાયટીના એક ફ્લેટમાં સિક્રેટ સર્ચ કર્યું હતું. સર્ચ પહેલાં EDની ટીમે વડોદરા પોલીસ કમિશનરને માહિતગાર કર્યા હતા.
રોકાણકારોને વાર્ષિક 3700 ટકા વળતર આપવાની લાલચે ક્રિપ્ટો કરન્સીમાં હજારો કરોડો રૂપિયાનું રોકાણ કરાવી કૌભાંડ કર્યું હતું. ભારત ઉપરાંત અમેરિકા અને ઓસ્ટ્રેલિયામાંથી પણ હજારો કરોડો ઉઘરાવ્યા હોવાની માહિતી સામે આવી છે.
સુરતના માસ્ટર માઈન્ડ સતીશ કુંભાણીએ કૌભાંડ આચર્યું હતું. સુરત CID ક્રાઈમમાં નોંધાયેલી ફરિયાદની તપાસ EDએ સંભાળી છે. સતીશ કુંભાણીએ બીટ કનેક્ટ નામથી ક્રિપ્ટો કરન્સી લોન્ચ કરી હતી. 100 દિવસમાં રોકાણ ડબલ કરવાની લાલચ આપી, રોજ 1 ટકા વળતર આપવાની ખાત્રી આપી હતી. વર્ષ 2018માં સતીશ કુંભાણીએ ઉઠમણું કરતા ઉહાપોહ મચ્યો હતો. અમેરિકી રોકાણકારો સાથે પણ 2.4 બિલિયન ડોલરનું ફ્રોડ કર્યું, FBI પણ તપાસમાં જોડાઈ હતી.