TRADE WAR મામલે ચાઇના અને અમેરિકા આમને-સામને
સમીર શુક્લ
સમીર શુક્લ
Expert Opinion

ચીનના 84%ના ટેરીફ દાવ પર ટ્રમ્પનો પારો આસમાને છે. હવે ડોનાલ્ડ ટ્રમ્પે ટેરીફ વધારીને 125% કરી છે. જ્યારે અન્ય દેશો પર લગાવેલા રેસિપ્રોકલ ટેરીફમાં 90 દિવસની રાહત જાહેર કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, આ 90 દિવસ દરમિયાન 75 દેશ પર 10% રેસિપ્રોકલ ટેરીફ યથાવત રહેશે.

ચીને અમેરિકી ચીજ વસ્તુઓ પર 84% આયાત ડ્યુટીની જાહેરાત કરતા, અમેરીકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભડકી ઉઠ્યા અને તાત્કાલિક અસરથી ચીન પર અમેરિકી ટેરીફ 104%થી વધારીને 125% કરી દીધો છે.

ટ્રમ્પે ‘ Truth Social’ પર એક પોસ્ટ મૂકી અને લખ્યું કે, ‘ચાઇનાએ દુનિયાના બજારોની જે રીતે અવગણના કરી છે, તે બિલકુલ સાંખી લેવાય તેમ નથી. એટલે હું ચીન પર તાત્કાલિક અસરથી ટેરીફ વધારીને 125% કરી રહ્યો છું’. ડોનાલ્ડ ટ્રમ્પે હુંકાર કર્યો કે, નજીકના ભવિષ્યમાં ચીનને એ વાતનો અહેસાસ થશે કે, સંયુક્ત રાજ્ય અમેરિકા અને અન્ય દેશોને લૂંટવાની નીતિ હવે લાંબી નહીં ચાલે અને તે કોઇપણ દેશને સ્વીકાર્ય નહીં રહે.

ટેરીફને લઈને ચીન અને અમેરિકા એકબીજાને હંફાવવાનો સતત પ્રયત્ન કરી રહ્યા છે. બંનેમાંથી એકપણ દેશ પીછેહઠ કરવા તૈયાર નથી. જેની શરૂઆત બીજી એપ્રિલ 2025ના દિવસથી થઈ. અમેરિકાએ સૌથી પહેલા ચીન પર 34%નો નવો રેસિપ્રોકલ ટેરીફ લગાવ્યો. જો કે, અમેરિકા અગાઉ 20% ટેરિફ ચીન પર લગાવી ચૂક્યું હતું. એટલે ચીન પર વધારાનો અમેરિકી ટેરીફનો આંકડો 54% પહેલેથી જ હતો. તેના જવાબમાં ચીને 10મી એપ્રિલ 2025ના રોજથી અમેરિકી ચીજવસ્તુઓ પર 34% વધારાનો ટેરીફ જાહેર કર્યો.

ચીનના આ એક્શનથી ડોનાલ્ડ ટ્રમ્પ ગુસ્સે ભરાયા અને સાતમી એપ્રિલે ધમકી આપી કે, જો ચાઇના આ ટેરીફને નહીં હટાવે તો અમેરિકા 9મી એપ્રિલના દિવસથી ચીન પર 50% વધારાનો ટેરીફ ઝોંકી દેશે. જો કે, ચીન આ ધમકીથી ચીન ટસનું મસ ના થયું, છેવટે ચીન પર નવા ટેરીફનો આંકડો 104 ટકા પર પહોંચી ગયો. આમ છતાં પણ ચીન હાર માનવા તૈયાર ના થયું, ચાઇના અમેરિકાને તેની જ ભાષામાં જવાબ આપવા માંગતું હતું. આ સામે પક્ષે ચીને પણ નવી જાહેરાત કરી કે, 10મી એપ્રિલના દિવસથી અમેરિકાથી આવનારી દરેક ચીજ વસ્તુઓ પર 34%ની જગ્યાએ 84% ટેરીફ લગાવવામાં આવશે. ચીનના આ વલણથી ટ્રમ્પનો ગુસ્સો આસમાને પહોંચી ગયો અને હવે અમેરિકાએ ચીન પર ટેરીફનો દર વધારીને 125% કરી દીધો છે.

ભારત પર 26 ટકા રેસિપ્રોકલ ટેરીફ

  • અમેરિકાએ ભારતથી આવનારા દરેક સામાન પર 26% રેસિપ્રોકલ ટેરીફ લગાવ્યો છે, જ્યારે કે બાંગ્લાદેશ પર 37%, વિયતનામ પર 46% અને થાઇલેન્ડ પર 36 ટકા ટેરીફ લગાવ્યો છે.
  • યુરોપિયન યુનિયનના (EU) 27 દેશો પણ અમેરિકાને ટેરીફનો જવાબ આપવા તૈયાર.
  • કેનેડા અને ચીન બાદ યુરોપિયન યુનિયનના દેશો ટ્રમ્પને ટેરીફની વિરુદ્ધમાં જવાબ આપવા તૈયાર છે. યુનિયનના લગભગ 21 અરબ યુરોના અમેરિકી સામાન પર ટેરીફ લગાવવાની મંજૂરી આપી દેવાઈ છે.