September 19, 2024

શિક્ષક બનવાની લાયકાતમાં ફેરફાર કરતા રોષ, સંચાલક મંડળની CMને રજૂઆત

આશુતોષ ઉપાધ્યાય, અમદાવાદઃ શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષક બનવા માટેની ઉમેદવારી લાયકાતમાં ફેરફાર કરતા સંચાલક મંડળમાં રોષ જોવા મળી રહ્યો છે. અગાઉ શિક્ષક બનવા માટે ટાટની પરીક્ષાના 70% અને શૈક્ષિણક લાયકાતના 30% ગણવામાં આવતા હતા. પરંતુ હવે 100% મેરીટ ટાટના પરિણામને આધારે નક્કી કરવાનો પરિપત્ર કરવામાં આવતા આ સમગ્ર મામલે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે.

શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભાસ્કર પટેલે ન્યૂઝ કેપિટલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, કેન્દ્રીય વિદ્યાલયોમાં મોટી માત્રામાં ભરતી કરવામાં આવે છે. જેમાં CTETની પરીક્ષાને આધારે ભરતી કરવામાં આવે છે. શિક્ષક બનવા માટે પણ કેન્દ્રીય વિદ્યાલયમાં 90 ટકા CTET પરિક્ષાના અને 30 ટકા ઉમેદવારની શૈક્ષણિક લાયકાતના એમ કુલ 100 ટકાને આધારે પ્રવેશ ફાળવણી કરવામાં આવે છે, પરંતુ રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા પહેલી ઓગસ્ટના રોજ ઠરાવ કરીને 100 ટકા ટાટના ગુણને ગણતરીમાં લેવામાં આવશે. આ પ્રકારના નિર્ણય પુનઃવિચારણા કરવા માટે રજૂઆત કરવામાં આવી છે.

મંડળની માગણી છે કે કેજીથી લઇને કોલેજ સુધી 23 વર્ષ સુધી ઉમેદવાર શૈક્ષણિક લાયકાત મેળવે છે, પરંતુ એકપણ ગુણ નોકરીમાં ઉમેદવાર ન મળે તે કઈ રીતે ચાલી શકે? નવી શિક્ષણ નીતિ અન્વયે પણ શૈક્ષણિક અને પ્રત્યેક શિક્ષણ માટે ગુણ રાખવા જરૂરી છે તે માટેની રજૂઆત કરવામાં આવી છે. આ સમગ્ર મામલે રાજ્યના મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રીને રજૂઆત કરવામા આવી છે.