July 8, 2024

ટેસ્લાની ભારતમાં એન્ટ્રી પર લાગી બ્રેક, શું ખરેખર મસ્ક પાસે ખૂટી પડ્યા પૈસા?

Tesla in India: ભારતમાં ટેસ્લાના રોકાણની સંભાવનાઓ લગભગ ખતમ થઈ ગઈ હોય તેમ જણાઈ રહ્યું છે. કારણ કે એલોન મસ્કની ઇલેક્ટ્રિક કાર બનાવતી કંપની ટેસ્લાના અધિકારીઓએ ભારતનો સંપર્ક કરવાનું બંધ કરી દીધું છે. આ મુદ્દા સાથે અંગત રીતે જોડાયેલા લોકોએ આ અંગે નામ જાહેર ન કરવાની શરતે માહિતી આપી છે.

સત્તાવાર ખાનગી સૂત્રોએ જણાવ્યું છે કે મસ્કની ટીમે એપ્રિલના આખરમાં ભારતની મુલાકાત સ્થગિત કરી દીધા બાદ નવી દિલ્હીના અધિકારીઓનો કોઈ જ સંપર્ક કર્યો નથી અને ન તો કોઈ પૂછપરછ કરી છે. તેમને એમ પણ જણાવ્યું છે કે ટેસ્લા પાસે પૈસાની અછતની સમસ્યા છે અને તેઓ ટૂંકા સમયમાં ભારતમાં રોકાણ કરવાની કોઈ જ યોજના નથી બનાવી રહ્યા.

ટેસ્લાના વેચાણમાં ઘટાડો
ટેસ્લાને ભારતમાં રોકાણ કરવામાં રસ ન હોવાના સમાચાર એવા સમયે આવ્યા છે જ્યારે ટેસ્લાએ વૈશ્વિક સ્તરે ત્રિમાસિક ડિલિવરીમાં સતત બીજી વખત ઘટાડો નોંધાવ્યો છે. સાથે જ ચીનમાં વધતી પ્રતિસ્પર્ધાનો પણ સામનો કરી રહ્યું છે. મસ્કે એપ્રિલમાં મોટા પ્રમાણમાં કર્મચારીઓને છૂટા કરી દેવાં જાહેરાત કરી હતી. EV મેકર કંપની ટેસ્લાના વર્ષોમાં પહેલું નવું મોડલ, સાયબરટ્રક, બજારમાં ધીરે ધીરે આવી રહ્યું છે. તો સાથે સાથે, મેક્સિકોમાં એક નવા પ્લાન્ટના નિર્માણમાં મોડું થઈ રહ્યું છે.

અહેવાલો મુજબ, ભારતમાં વ્હીકલ ઇન્ડસ્ટ્રી પર દેખરેખ રાખતા ભારે ઉદ્યોગ મંત્રાલય, નાણા, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયોના પ્રતિનિધિઓએ ટિપ્પણી માટેની વિનંતીઓનો જવાબ આપ્યો ન હતો. ટેસ્લાએ પણ ટિપ્પણીઓ માટે અનુરોધનો કોઈ જ જવાન નથી આપ્યો.

કેમ ટળી ગઈ હતી એલોન મસ્કની ભારત મુલાકાત
પોતાના કામના ભારણની વાત કરીને એલોન મસ્કે એપ્રિલમાં ભારતની નિયત મુલાકાત રદ્દ કરી દીધી હતી. આ મુલાકાતમાં પીએમ મોદી સાથેની બેઠકનો પણ સમાવેશ થતો હતો. જોકે, ભારતની મુલાકાત રદ્દ કરીને એલોન મસ્ક ચીનની અઘોષિત યાત્રા પર નીકળી ગયા હતા. એલોન મસ્કે ચીન પાસે ડ્રાયવર્સ અને આસિસટેન્સ સોફ્ટવેરની મંજૂરી માંગી માંગી હતી જે કાર મેકર્સ કંપનીની આવકના ઘટાડાને રોકવામાં મદદ કરી શકે છે. ત્યારબાદ, ટેસ્લાની મેપિંગ અને નેવિગેશન ફંક્શન્સમાં Baidu Inc. સાથે ભાગીદારી પર મહોર લાગી ગઈ. એટલું જ નહીં, ટેસ્લાએ જાહેરાત પણ કરી હતી કે તે આ વર્ષે 8 ઓગસ્ટે તેની રોબોટેક્સી શરૂ કરશે. ટેસ્લા તેની રોબોટેક્સીને ચીનમાં લાવવાની સાથે સાથે દેશમાં તેના અદ્યતન ડ્રાઈવર-સહાય પેકેજનું પરીક્ષણ કરવાની યોજના બનાવી રહ્યું છે.