એલન મસ્કનો ભારત પ્રવાસ મોકૂફ, PM મોદી સાથે કરવાના હતા મુલાકાત
દિલ્હી: ટેસ્લાના CEO એલન મસ્કની ભારત મુલાકાત મોકૂફ રાખવામાં આવી છે. મસ્ક 21-22 એપ્રિલે બે દિવસ માટે ભારત આવવાના હતા. સુત્રો અનુસાર મસ્કની મુલાકાત મુલતવી રાખવાની માહિતી આપી છે. એલન મસ્ક વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરવાના હતા. જ્યાં તેઓ ભારતીય બજારમાં ટેસ્લાની એન્ટ્રી વિશે વાત કરવાના હતા. તેમની ભારતમાં ટેસ્લા પ્લાન્ટ સ્થાપવાની ચર્ચા કરવાની પણ યોજના હતી.
જો કે, ટેસ્લાના સીઈઓ મસ્કે ભારતની મુલાકાત કેમ મુલતવી રાખી છે તેનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. સૂત્રોએ જણાવ્યું છે કે એલન મસ્કની ભારત મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે તેમણે 23 એપ્રિલે અમેરિકામાં ટેસ્લાના પ્રથમ ક્વાર્ટરના પ્રદર્શનને લગતા પ્રશ્નોના જવાબ આપવાના છે. જો મસ્ક 21-22ના રોજ ભારતમાં હોત તો તેમના માટે 23 એપ્રિલે કોન્ફરન્સ કોલમાં ભાગ લેવો મુશ્કેલ હોત. માનવામાં આવે છે કે આ કારણોસર ભારતનો પ્રવાસ સ્થગિત કરવામાં આવ્યો છે.
મસ્કે પીએમ મોદીને મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી
હકીકતમાં, 10 એપ્રિલના રોજ એલન મસ્કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કર્યું હતું કે તે પીએમ મોદીને મળવા માંગે છે. મસ્ક થોડા દિવસો પછી ભારત આવવાના હતા. તેઓ એવા સમયે ભારત આવી રહ્યા હતા જ્યારે સરકારે નવી ઈલેક્ટ્રિક વ્હીકલ મેન્યુફેક્ચરિંગ પોલિસી જાહેર કરી છે. આ હેઠળ, ભારત સરકારની ‘મેક ઇન ઇન્ડિયા’ પહેલ હેઠળ પ્રતિબદ્ધ ઇલેક્ટ્રિક કાર કંપનીઓને છૂટ આપવામાં આવી શકે છે.
મસ્ક ભારતમાં 30 અબજ ડોલરનું રોકાણ કરવાની યોજના ધરાવે છે
સૂત્રોએ અગાઉ જણાવ્યું હતું કે પીએમ મોદી સાથેની મુલાકાત દરમિયાન એલન મસ્ક ભારતમાં 20 થી 30 અબજ ડોલરના રોકાણનો રોડમેપ રજૂ કરવાના હતા. જો કે, એવું પણ જાણવા મળ્યું હતું કે મસ્કની મુલાકાત દરમિયાન સ્ટારલિંકને લઈને કોઈ કરાર કરવામાં આવશે નહીં. ગયા વર્ષે જૂનમાં જ્યારે પીએમ મોદી અમેરિકા ગયા હતા ત્યારે તેઓ મસ્કને મળ્યા હતા. તેણે તે સમયે પીએમને કહ્યું હતું કે તે ભારતીય બજારમાં પ્રવેશવા માંગે છે.