November 5, 2024

J&K: બાંદીપોરામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ઘર્ષણ, એક આતંકવાદી ઠાર

Jammu Kashmir Terrorist Attack: જમ્મુ-કાશ્મીરના બાંદીપોરા જિલ્લાના કેત્સુન જંગલ વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર શરૂ થયું છે. સુરક્ષા દળોને આતંકવાદીઓના ઠેકાણા અંગે માહિતી મળ્યા બાદ આ ઘટના બની હતી. આ એન્કાઉન્ટરમાં એક આતંકી પણ માર્યો ગયો છે. ન્યૂઝ અહેવાલ અનુસાર, સેનાને આતંકીઓના ઠેકાણા અંગે માહિતી મળ્યા બાદ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. બે આતંકવાદીઓ છુપાયા હોવાના સમાચાર હતા, જેમાંથી એકને સુરક્ષા દળોએ ઠાર માર્યો છે, જ્યારે અન્ય આતંકવાદીની શોધ ચાલી રહી છે.

એન્કાઉન્ટર દરમિયાન સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે અને આ વિસ્તારમાં 26 આસામ રાઈફલ્સની ટીમ તૈનાત કરવામાં આવી છે, જે આતંકવાદીઓને શોધવામાં વ્યસ્ત છે. આ ઘટનાને જોતા સમગ્ર વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે.

આ પહેલા રવિવારે આતંકવાદીઓએ શ્રીનગરના રવિવારી બજારમાં ગ્રેનેડથી હુમલો કર્યો હતો, જેમાં 10 લોકો ઘાયલ થયા હતા. એક દિવસ પહેલા ખાનયારમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી, જેમાં એક આતંકી માર્યો ગયો હતો.