July 4, 2024

ભારત પ્રવાસ પર ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમે કરી આ પોસ્ટ, ચીનને થશે બળતરા…

England Cricket players met Dalai Lama: ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમ 5મી ટેસ્ટના પગલે ભારતના હિમાચલ પ્રદેશના ધર્મશાલાના પ્રવાસે છે. ભારત પ્રવાસ દરમિયાન ઈંગ્લેન્ડના ખેલાડીઓએ એવું પગલું ભર્યું હતું કે જેનાથી ચીન નારાજ થશે. હકિકતે ભારત પ્રવાસ દરમિયાન ઈંગ્લેન્ડની ટીમના ખેલાડીઓ તિબેટના ધર્મગુરુ દલાઈ લામાને મળ્યા હતા. દલાઇ લામાની મુલાકાત દરમિયાન ઇંગ્લેન્ડની ક્રિકેટ મેનેજમેન્ટ ટીમના સભ્યો પણ સાથે રહ્યા હતા. આટલું જ નહીં ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ મીટિંગની તસવીરો પણ શેર કરવામાં આવી છે.

ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમ અને મેનેજમેન્ટે દલાઈ લામાને હિમાચલ પ્રદેશના ધર્મશાલા ખાતેના તેમના નિવાસસ્થાને મળ્યા હતા. નોંધનીય છે કે ઈંગ્લેન્ડ અને ભારત વચ્ચે 5મી ટેસ્ટ 7 માર્ચથી ધર્મશાલામાં રમાશે. આવી સ્થિતિમાં ઈંગ્લેન્ડની ટીમ ધર્મશાલા પહોંચી અને દલાઈ લામાને મળી હતી.

દલાઈ લામાથી ચીન કેમ નારાજ છે?
તિબેટના ધર્મગુરુ દલાઈ લામા એક એવા વ્યક્તિ છે, જેનું નામ ચીનનું બ્લડ પ્રેશર વધારવા માટે પૂરતું છે.નોંધનીય છે કે દલાઈ લામાએ માર્ચ 1959થી ભારતમાં આશરો લીધો છે. બીજી બાજુ ચીન દલાઈ લામાને ભારતમાં આશરો આપવાનો સખત વિરોધ કરી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ચીને 1959માં તિબેટ પર કબજો જમાવ્યો હતો. ત્યારબાદ દલાઈ લામાને ભારત આવવું પડ્યું અને ત્યારથી તે ભારતમાં રહે છે. દલાઈ લામા સાથે ચીનની નારાજગી એટલી બધી છે કે દલાઇ લામાં જે દેશોની મુલાકાત લે છે ચીન તેની સરકારો સામે વાંધો ઉઠાવવાનું શરૂ કરી દે છે. બીજી બાજુ ચીન તિબેટને પોતાનો ભાગ હોવાનો દાવો કરે છે અને દલાઈ લામા તેની વિરુદ્ધ છે, જેના કારણે ચીન દલાઈ લામાને અલગતાવાદી માને છે.

શું છે દલાઈ લામાની માંગ?
દલાઈ લામા તિબેટ માટે આઝાદી અને શાંતિ માટે અપીલ કરતા રહ્યા છે. 2003માં તેમણે તવાંગને તિબેટનો હિસ્સો જાહેર કર્યો હતો અને 2008માં તેણે તેમાં સુધારો કરી મેકમોહન લાઇનની ઓળખ કરી. ત્યારબાદ દલાઇ લામાએ તવાંગને ભારતનો હિસ્સો જાહેર કર્યો હતો. દલાઈ લામાને ભારતમાં આશરો મળે તે ચીનને પસંદ નહોતું. આ પછી ચીન સરકાર અને દલાઈ લામા વચ્ચે તણાવ વધતો જ ગયો. તેઓ હજુ પણ હિમાચલ પ્રદેશમાં નિર્વાસિત જીવન જીવી રહ્યા છે.