June 30, 2024

Palanpur કોટ વિસ્તારમાં રોગચાળો વકર્યો, સ્થાનિકોના મતે 4 લોકોના મોત!

રતનસિંહ ઠાકોર, બનાસકાંઠા: પાલનપુરના કોટ વિસ્તારમાં રોગચાળાએ ભરડો લીધો છે કોલેરાની અસરથી 150 જેટલા લોકો અસરગ્રસ્ત છે તો 30 જેટલા લોકો સારવાર હેઠળ છે. જ્યારે સ્થાનિકોના મત પ્રમાણે કોલેરાથી ચાર લોકોના મોત થઈ ચૂક્યા છે. તંત્રની નિષ્ક્રિયતાને કારણે કોલેરાના રોગચાળાએ ભરડો લીધો છે. ન્યૂઝ કેપિટલે ત્રણ જૂને કોલેરાની દહેશતને લઈને સ્થાનિક લોકોની મુલાકાત કરી હતી ત્યારે સ્થાનિક લોકોએ તંત્રને વહેલી તકે જાગવા માટે જાણ કરી હતી, છતાં તંત્ર કાર્યવાહી કરવામાં બેદરકાર રહ્યું અને જેના કારણે કોટ વિસ્તારમાં આ પરિસ્થિતિ ઊભી થઈ, હવે મોડે મોડે તંત્ર જાગ્યું છે અને આરોગ્ય અને પાલિકાની ટીમો કોટ વિસ્તારમાં કામે લાગી છે.

બનાસકાંઠા કલેક્ટરે પાલનપુરના કોટ વિસ્તારમાં 16 જેટલા વિસ્તારોને કોલેરાગ્રસ્ત જાહેર કરી અને જાહેરનામું બહાર પાડ્યું છે. ત્રણ જૂને ન્યૂઝ કેપિટલ દ્વારા કોટ વિસ્તારની પરિસ્થિતિ બતાવી અને આ વિસ્તાર કોલેરા ગ્રસ્ત થશે તેવી દહેશત વ્યક્ત કરી હતી ત્યારે 30 જેટલા લોકો સારવાર હેઠળ હતા અત્યારે 150 જેટલા લોકોને અસર થઈ હતી પરંતુ ત્રણ જુન બાદ તંત્રની કોઇ કાર્યવાહી ન થતા અત્યારે કોટ વિસ્તારમાં કોલેરાના રોગચાળાએ ભરડો લીધો છે અને 150થી વધુ લોકો સારવાર હેઠળ છે. જ્યારે ચાર લોકોના મોત થઈ ચૂક્યા છે. 30 લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જ્યારે આરોગ્ય વિભાગની નવ ટીમો કોટ વિસ્તારના 16 જેટલા વિસ્તારના સર્વે કરી રહી છે અને પાલનપુર નગરપાલિકા એ હવે સફાઈની કામગીરી હાથ ધરી છે. સ્થાનિકોના મત પ્રમાણે નગરપાલિકાની નિષ્ક્રિયતા છે જેને કારણે અહીં સાફ સફાઈ અને વર્ષો સુધીની રજૂઆત છતાં ધ્યાન આપવામાં આવતું નથી અને જેના કારણે અત્યારે આ કોલેરાની પરિસ્થિતિ ઊભી થઈ છે ત્યાર બાદ હવે તંત્ર મોડું મોડું દોડતું થયું છે અને કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો: પનોતીમાંથી મુક્ત થવા માટે પોરબંદરના હાથલા ગામે હજારો શ્રદ્ધાળુઓ ઉમટ્યા

છેલ્લા 15 દિવસથી આ વિસ્તારમાં રોગચાળાની અસર છે દૂષિત પાણીના લીધે રોગચાળો ફેલાયા બાદ તંત્રની નિષ્ક્રિયતાને કારણે રોગચાળો વધુ પ્રસર્યો છે. જોકે આરોગ્ય વિભાગના પાણીના સેમ્પલમાં કોલેરાની પોઝિટિવ અસર આવી અને જેને પરિણામે 150થી વધુ લોકો બીમાર થયા. સ્થાનિકોનો આક્ષેપ છે કે, પાલનપુરના કોટ વિસ્તારને છેલ્લા કેટલાય વર્ષોથી ઉપેક્ષા કરવામાં આવે છે. અહીંયા સાફ-સફાઈ થતી નથી, દૂષિત પાણી આવ્યા છે અને જેને કારણે વારંવાર રોગચાળો ફેલાય છે. અત્યારે તો સ્થાનિકોનું સરકાર તંત્ર અને પાલિકા સામે રોષ છે પરંતુ અત્યારે મહત્વનું એ છે કે આ કોલેરાને કંટ્રોલ કરાય.

પાલનપુર કોટ વિસ્તારની રોગચાળાની પરિસ્થિતિ એ છે કે ગઈકાલે રાત્રે શહેનાજ બાનુ નામની મહિલાનું સારવાર દરમિયાન મોત થયું. કોલેરાની અસર હેઠળ મહિલા સારવાર હેઠળ હતી અને જેનું ગઈકાલે મોત થયું ત્યારે અગાઉ પણ ત્રણ મોત થઈ ચૂક્યા છે. દૂષિત પાણીના કારણે રોગચાળો ફેલાયો આ વિસ્તારમાં ગંદી ગટરો અને સફાઈનો અભાવ અને જેને કારણે ચાર લોકોના મોત થયા છે અને જેની કારણે તંત્ર સામે આક્રોશ છે ત્યારે તંત્ર હંમેશાં કોઈપણ ઘટનામાં મોતની રાહ જોતું હોય છે અને ત્યારે બાદ કાર્યવાહી કરતું હોય છે. ઘટના આગની હોય અકસ્માત હોય અથવા ડૂબવાની ઘટના હોય લોકોના મોત થાય ત્યારબાદ જ કાર્યવાહી થતી હોય છે પરંતુ તંત્ર દ્વારા કોઈપણ વિસ્તારનું કાર્યવાહીનું આયોજન થતું નથી.