June 28, 2024

ઉમરપાડા કબ્રસ્તાનમાં ડબલ મર્ડરની ઘટના મામલે સનસનીખેજ ખુલાસો

મૃતક બિલાલ અને મૃતક અજ્જુ શેખની ફાઈલ તસવીર.

કિરણસિંહ ગોહિલ, ઉમરપાડા: ઉમરપાડાના ઉંચવાણ ગામના કબ્રસ્તાનમાં હત્યા કરાયેલી બે લાશ મળવા મુદ્દે સનસનીખેજ ખુલાસો જિલ્લા પોલીસ વડાએ કર્યો છે. ડબલ મર્ડરની ઘટના સોપારી કિલિંગ નીકળતા પોલીસ પણ ચોંકી ગઇ હતી.

સુરત ગ્રામ્ય એલ.સી.બી પોલીસ જાપ્તામાં ત્રણ આરોપી પૈકી એક માસ્ટર માઈન્ડ અને સોપારી આપનાર ખુરસીદ મુનાવર અલી સૈયદ, કૌશિક વસાવા અને પ્રજ્ઞેશ ગામીત પોલીસના હાથે ઝડપાઈ ગયા છે. પોલીસના હાથે ઝડપાયેલા આરોપીએ પોપટની જેમ પોતાનો ગુનો કબૂલી પોલીસ સમક્ષ ડબલ મર્ડર કેમ કર્યું અને કોની મદદથી કર્યું એ સાંભળી પોલીસ પણ ચોકી ગઈ હતી. કેમ કે એક વર્ષ પહેલા ખુરસીદ સૈયદ અને મૃતક બિલાલ વચ્ચે ઝગડો થયો હતો. જેમાં મૃતક બિલાલે ખુરશીદ અને તેના જમાઈને માર મારી ધમકી આપી હતી. જેના CCTV પણ પોલીસે કબ્જે કર્યા છે. એક વર્ષ પહેલા થયેલો ઝગડો અને બસ આ ઝગડાનું વેર વાળવા ખુરશીદ સૈયદે ઉમરપાડાના ઉંચવાણ ખાતે રહેતા જમાઈના મોટા ભાઈ અફઝલને 16 લાખમાં મારવાની સોપારી આપી હતી. જે પૈકી 12 લાખ તો પહેલાથી જ આપી દીધા હતા.

આ હત્યાનો પ્લાન 6 મહિના પહેલા રચાઈ ગયો હતો. ફરાર આરોપી અફઝલ અને મૃતક બિલાલ બંને મિત્ર હોવાથી અફઝલે બિલાલને ઉમરપાડાના ઉંચવાણ ગામે બોલાવ્યા હતા. પરંતુ બિલાલ સાથે તેનો મિત્ર અઝરૂદિન શેખ પણ આવતા અફઝલે પહેલા બિલાલની હત્યાં કરી અને ત્રણથી ચાર કલાક બાદ અઝરૂદિનની હત્યા કરી રાત્રે ઉંચવાણ ગામના કબ્રસ્તાનમાં ડફનાવી દીધા હતા.

આ પણ વાંચો: સરકારી કાર્યાલયમાં તમાકુ ખાતા અધિકારીઓને CM ભૂપેન્દ્ર પટેલે તતડાવ્યા

મૃતક બિલાલ ચાંદી અને અજ્જુ શેખ આરોપી અફઝલના ઊંચવાણ ગામે બોલાવ્યા અને ત્યાં અફઝલ અને પ્રજ્ઞેશ ગામીત મળી બંનેની હત્યા કરી નાખી હતી. અને રાત્રે ઉંચવાણ ગામના કબ્રસ્તાનમાં લઇ ગયા હતા. પરંતુ કબ્રસ્તાનના ગેટ પર તાળા હોવાથી ગેટની બાજુમાં વાડ તોડી બંને લાશ ખેંચીને કબસ્તાનમાં દફનાવી આરોપી અફઝલ અને પ્રજ્ઞેશ કાર લઇ નીકળી ગયા હતા.જોકે બીજા દિવસે સવારે કબ્રસ્તાનમાં શંકાસ્પદ ગતિવિધિ જણાતા ગામના સરપંચે સ્થાનિક પોલીસને જાણ કરી હતી અને ડીવાયએસપી બી. કે વનાર, માંડવી પ્રાંત અધિકારી, ઉમરપાડા મામલતદારની હાજરીમાં કબર પરથી માટી હટાવતા બે અજાણ્યાની લાશ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. જોકે શરૂઆતથી પોલીસને હત્યાનો મામલો લાગતા પોલીસે દિશામાં તપાસ કરતા એક પછી એક કડી જોડાતી ગઈ અને ડબલ મર્ડરનો ભેદ ઉકેલાઇ ગયો.

માસ્ટર માઈન્ડ ખુરશીદ સૈયદ ઝડપાઈ જતા સોપારી કિલિંગની ઘટના બહાર આવી હતી. સામાન્ય એક વર્ષ પહેલા થયેલા ઝઘડાનો અંજામ દર્દનાક આવ્યો છે. માથાભારે બિલાલે તો જીવ ગુમાવ્યો પણ તેની સાથે આવેલ મિત્ર અજ્જુ શેખે પણ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ડબલ મર્ડરની આ ઘટના આખા સુરત શહેરમાં ટોક ઓફ ટાઉન બની છે.કેમ કે સુરતના આ બંને માથાભારે અને ગુનાહિત ઇતિહાસ ધરાવતા બિલાલ અને અજ્જુને મોતને ઘાટ ઉતારી તેનો જ મિત્ર આરોપી અફઝલ ફરાર છે. જોકે 16 લાખની સોપારી આપનાર અને મદદ કરનાર હાલ જેલ ભેગા થઇ ગયા છે. જ્યારે ખુરશીદ સૈયદ, મોહમ્મદ અસલમ, કૌશિક વસાવા પોલીસના હાથે લાગી ગયા છે. કહેવાય છે કે ખોટા કામનો અંજામ પણ ખોટો જ આવે છે. ગુનાની દુનિયામાં પોતાને તીસ મારખા સમજી બેખૌફ બની ફરતા તત્વોનો અંજામ દર્દનાક જ આવે છે.