વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકર બે દિવસીય નર્મદા જિલ્લાની મુલાકાતે, વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યું

પ્રવિણ પટવારી, નર્મદા: ભારત સરકારના વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકર નર્મદા જિલ્લાની બે દિવસીય મુલાકાતે છે. વિદેશમંત્રી તેઓની આ મુલાકાત દરમિયાન નર્મદા જિલ્લાના પાંચેય તાલુકાઓમાં MPLADS કાર્યક્રમ અંતર્ગત તેઓએ દત્તક લીધેલા વ્યાધર, આમદલા, લાછરસ, સામોટ અને ભાદોડ તેમજ અન્ય ચાર ગામોમાં અંદાજિત રૂપિયા 11.66 કરોડ જેટલી માતબર રકમના વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરી જિલ્લાના નાગરિકોને વિકાસની ભેટ આપી.

આજે પ્રથમ દિવસે તેઓ એકતાનગર ખાતે આવી પહોંચ્યા હતા અને તિલકવાડા તાલુકાના વ્યાધર ગામની મુલાકાત કરી હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરનું નિરીક્ષણ કર્યું હતું. તેઓની ગ્રાન્ટમાંથી ફાળવેલા વિકાસ કામો નિહાળી પૂર્ણ થયેલા કામોનું લોકાર્પણ પણ કર્યું. ત્યાર બાદ આમદલા ગામે મુલાકાત કરી સ્માર્ટ આંગણવાડી, પ્રાથમિક શાળાના સ્માર્ટ ક્લાસરૂમ નિહાળ્યા અને જેતપુર ગામે મુલાકાત કરી તેઓની ગ્રાન્ટમાંથી ફાળવેલા કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું.