June 30, 2024

Ahmedabadમાં યુવકે અમેરિકા જવા લગાવ્યો જુગાડ, પોલીસે દબોચી લીધો

મિહિર સોની, અમદાવાદ: વિદેશમાં બિઝનેશ કરવા માટે બોગસ પાસપોર્ટ સાથે UK જઈ રહેલા યુવકની SOG ક્રાઇમે કરી ધરપકડ કરી છે. એજન્ટએ રૂપિયા 22 લાખમાં વિદેશ મોકલવા નકલી પાસપોર્ટ બનાવ્યો હતો. SOG ક્રાઇમે કબૂતરબાજી કેસમાં વિદેશના એજન્ટનું કનેક્શન અને નકલી પાસપોર્ટ બનાવનાર ગેંગની તપાસ શરૂ કરી હતી. કોણ છે આ આરોપી? આવો જોઈએ.

ભાંડો ફૂટી ગયો
SOGની કસ્ટડીમાં જોવા મળતા આરોપી દિલીપ મોઢવાડીયા અમદાવાદ એરપોર્ટથી બનાવટી દસ્તાવેજોના આધારે બનાવેલા બોગસ પાસપોર્ટ સાથે ઝડપાઇ ગયો હતો. આ આરોપી બોગસ પાસપોર્ટ અને 6 માસના વિઝા મેળવીને UK જવા એર ઇન્ડિયાની ફ્લાઇટમાં જવા નીકળ્યો હતો. ત્યારે ઇમિગ્રેશન વિભાગને શંકા જતા દિલીપ મોઢવાડીયાની અટકાયત કરીને પૂછપરછ કરતા તેની પાસેથી રામ રાજુભાઇ બગોન નામનો વલસાડનો પાસપોર્ટ મળી આવ્યો હતો. આરોપી ખોટા નામથી બોગસ પાસપોર્ટ બનાવીને UKના 6 માસના વિઝા મેળવ્યા હતા. પરંતુ ઈમિગ્રેશનની ચર્કિંગમાં તેનો ભાંડો ફૂટી ગયો હતો. એરપોર્ટ પોલીસને સોંપવામાં આવ્યો હતો. પોલીસે દિલીપ મોઢવાડીયા વિરુદ્ધ ગુનો નોંધીને તેની ધરપકડ કરીને SOG પોલોસને સોંપ્યો હતો.

જન્મનું પ્રમાણપત્ર બનાવ્યું
પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપી દિલીપ મોઢવાડીયા પોરબંદરનો રહેવાસી છે અને ખેતીકામ કરે છે. તપાસ કરતા સામે આવ્યું કે આરોપીને વિદેશમાં બિઝનેશ કરવાનું સપનું હતું. જેથી 2023માં યુકે માં રહેતા રાજુભાઇ બગોન નામના ઈસમ સાથે વિદેશ જવા માટે રૂપિયા 22 લાખમાં સોદો કર્યો હતો. વિદેશી એજન્ટ રાજુ બગોને દિલીપ મોઢવાડીયાને પોતાનો દીકરો બનાવીને તેનું નામ રામ રાજુ બગોન અને જન્મ સ્થળ દેવભૂમિ દ્વારકાનું ખીજદડ દર્શાવી ખોટું જન્મનું પ્રમાણપત્ર બનાવ્યું હતું.

આ પણ વાંચો: ઉમરપાડા કબ્રસ્તાનમાં ડબલ મર્ડરની ઘટના મામલે સનસનીખેજ ખુલાસો

એજન્ટની સંડોવણી
આ ખોટા જન્મના પ્રમાણપત્રના આધારે મુંબઈથી પાસપોર્ટ કઢાવ્યો હતો. આ પાસપોર્ટ કઢાવવાથી લઇ યુકે લઈ જવા સુધીનો રૂપિયા 22 લાખમાં એજન્ટ સાથે સોદો કર્યો હતો. પરંતુ એરપોર્ટ પર ચેકીંગ દરમ્યાન આરોપી ઝડપાઇ ગયો હતો. SOG ક્રાઇમે બોગસ પાસપોર્ટ સાથે પકડેલા આરોપી દિલીપ મોઢવાડીયાને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઉપરાંત ખોટા દસ્તાવેજથી જન્મનો દાખલો અને બોગસ પાસપોર્ટ બનાવવામાં અન્ય કોણ વ્યક્તિની સંડોવણી છે. તેમજ કબૂતરબાજી કેસમાં ક્યાં ક્યાં એજન્ટની સંડોવણી છે તે મુદ્દે વધુ તપાસ શરૂ કરી છે.