November 24, 2024

નુકસાની સહન કરીને પણ શિયાળુ પાક માટે મફતના ભાવે વેચવા મજબૂર જગતનો તાત

ધ્રુવ મારૂ, જેતપુર: ચાલુ ચોમાસાની સિઝનમાં 150 ટકા જેટલો વરસાદ ઉપરાંત કમોસમી માવઠાઓ સામે ઝીંક ઝીલીને જગતના તાતે દિવસ રાત કાળી મજૂરી કરીને સંતાનની જેમ ઉછરેલા મગફળીના પાકને યાર્ડની ખુલ્લી બઝારમાં વેચવા જતા એક મણે 600 થી 700 રૂપિયાની નુકશાની થઈ રહી હોવા છતાં ખેડૂતને શિયાળુ પાકના વાવેતર માટે તાત્કાલીક નાણાંની જરૂર હોવાથી નુકસાની ખાઈને પણ મગફળી વેચવા મજબુર બન્યો છે.

દિવસ રાત કાળી મજૂરી કરી જરૂરીયાત કરતા વધુ વરસાદ ઉપરથી માવઠાઓ સામે ઝીંક ખેડૂતોએ ઝીલી વધુ સાથે વરસાદથી ભેજને કારણે ઈયળો, ફૂગ તેમજ બીજા જીવ જંતુઓ સામે માંડ માંડ પાકનું રક્ષણ કર્યું. અંતે મગફળીના પાકને ખેડૂત જ્યારે સારી કિંમત મળી રહે તેવી આશા સાથે વેચવા માટે બજારમાં જાય ત્યારે તેના પાકની કોઈ લેવાલી જ નથી. છતાંય વેચવું હોય તો મણે 500 થી 600 રૂપિયાની ખોટ ખાવી પડતી હોવા છતાંય જેતપુર પંથકના ખેડૂતો અત્યારે જેતપુર માર્કેટિંગ યાર્ડની ખુલ્લી બઝારમાં મગફળીનો પાક વેચી રહ્યા છે.

દિવાળીની રજાઓ બાદ માર્કેટીંગ યાર્ડ ખુલતા યાર્ડમાં પુષ્કળ પ્રમાણમાં મગફળીની આવક જોવા મળી છે. જેમાં આજે જેતપુર માર્કેટીંગ યાર્ડ ખાતે યાર્ડના કર્મચારી દ્વારા મગફળીની હરરાજી શરૂ કરાવવામાં આવી. ત્યારે, હરરાજીમાં 850થી લઈ 1200ના ભાવ સુધીમાં મગફળી વેચાઈ હતી. એટલે કે જે મગફળીનો ભાવ સરકારી ટેકાના ભાવ મુજબ 1356 તો મળવો જ જોઈએ તેનો 850 રૂપિયા અને સારી ગુણવત્તાની મગફળી કે જેનો 1600 મળવો જોઈએ તેના 1200 રૂપિયા મળતા ખેડૂતોને 500થી 600 રૂપિયાની ખોટ ખાવી પડી હતી.

આ અંગે ખેડૂતોએ જણાવ્યું હતું કે મગફળીમાં ખેતરમાંથી એક મણ વીણવાના મજૂરી 500 રૂપિયા આપવી પડે ઉપરાંત બિયારણ, ખાતર, દવા બધું ગણીએ તો અમારી પાછળ કંઈ વધતું જ નથી છતાંય અમો અમારી ઉપજ વેચવા માટે મજબૂર બન્યા છીએ. કેમ કે, અત્યારે શિયાળુ પાકના વાવેતરની શરૂઆત થઈ ગઈ છે અને તે માટે બિયારણ તેમજ ખાતર ખરીદવા નાણાંની જરૂરીયાત છે અને વેપારીને માલ વેચવાથી એક બે દિવસમાં પૈસા મળી જાય છે. જ્યારે સરકાર દ્વારા મગફળીની ખરીદી ટેકાના ભાવથી કરવાની જાહેર કરી છે જેમાં ટેકાના ભાવ 1356 રૂપિયા જાહેર કર્યા છે અને ખેડૂતોને મગફળી વેચાણ માટે રજિસ્ટ્રેશનની તારીખ 10 નવેમ્બર સુધી રાખવામાં આવી છે.

ચાલુ વર્ષે અતિવૃષ્ટિને કારણે મોટા ભાગની મગફળી ડેમેજ થઈ ગઈ હોય ખેડૂતો ટેકાના ભાવમાં મગફળી વેચવા માટે વાહનો ભાડે કરીને આવે અને તેમાં મગફળી ડેમેજ હોવાને કારણે ન ખરીદે તો ખેડૂતને ભાડાના રૂપિયા પણ માથે પડે અને ટેકાના ભાવે ખરીદીમાં પૈસા ક્યારે મળે તે પણ નક્કી ન હોય ઉપરથી ચોમાસુ પાકના વાવેતરમાં ઉધાર ઉછીના કર્યા હોય શિયાળું પાકનું વાવેતર પણ કરવું હોય તેમાં નાણાંની સખત જરૂરીયાત હોવાથી ખેડૂતો 500 થી 600 રૂપિયાની ખોટ ખાયને મગફળી વેચવા મજબુર બન્યા છે.