February 7, 2025

પહેલા પંજાબમાં તમારા વચનો પૂરા કરો અને પછી દિલ્હીમાં યોજનાઓની જાહેરાત કરજો: BJP નેતા

Punjab Schemes: કેન્દ્રીય મંત્રી રવનીત સિંહ બિટ્ટુએ આમ આદમી પાર્ટી(AAP) પર પ્રહાર કરતા કહ્યું કે, ચૂંટણી પહેલા દિલ્હી માટે નવી યોજનાઓની જાહેરાત કરતા પહેલા તેમણે પંજાબના લોકોને આપેલા વચનો પૂરા કરવા જોઈએ. પત્રકાર પરિષદને સંબોધતા બિટ્ટુએ આમ આદમી પાર્ટી (AAP)ના વડા અરવિંદ કેજરીવાલની ટીકા કરી. બિટ્ટએ કહ્યું કે આમ આદમી પાર્ટીએ પંજાબમાં ઘણા વચનો પૂરા નથી કર્યા, જેમાં મહિલાઓને દર મહિને 1,000 રૂપિયા આપવાનું વચન પણ શામેલ છે.

બિટ્ટુએ કહ્યું, “કેજરીવાલ દરરોજ દિલ્હીમાં મફત યોજનાઓ વિશે વાત કરે છે, પણ પંજાબનું શું? તેમણે પંજાબમાંથી ડ્રગ્સના વ્યસનની સમસ્યાને દૂર કરવાનું વચન આપ્યું હતું, પરંતુ કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી ન હતી. નોંધનીય છે કે, 2023માં પંજાબમાં ડ્રગ ઓવરડોઝને કારણે 144 મૃત્યુ થયા હતા, જે દેશમાં સૌથી વધુ છે.

આ પણ વાંચો: સુરતમાં નરાધમ 3 વર્ષની માસૂમને ઉઠાવી ગયો અને દુષ્કર્મ આચર્યું, પોલીસે દબોચી લીધો

ભાજપના નેતાએ આપના શાસનમાં પંજાબમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર પણ ચિંતા વ્યક્ત કરી. તેમણે ગયા વર્ષે બળાત્કારના કેસોમાં 10 ટકાનો વધારો અને રાજ્ય સરકારે સુરક્ષા ઘટાડ્યા પછી ગાયક સિદ્ધુ મૂસેવાલાની હત્યાનો ઉલ્લેખ કર્યો. દિલ્હીમાં દારૂ નીતિ પરના વિવાદ અંગે બિટ્ટુએ AAP પર પ્રહારો કર્યા અને દાવો કર્યો કે પાર્ટીએ દારૂના વ્યસનને પ્રોત્સાહન આપ્યું છે.

12 વર્ષમાં દિલ્હીમાં એક પણ નવી સ્કૂલ નથી
કેન્દ્રીય રેલ રાજ્યમંત્રીએ એવો પણ દાવો કર્યો હતો કે “દિલ્હીના ભૂતપૂર્વ શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયાનો પુત્ર કેનેડામાં અભ્યાસ કરી રહ્યો છે અને આપના બે રાજ્યસભા સાંસદો (અશોક મિત્તલ અને સંજય અરોરા)ને વિદેશમાં તેમના શિક્ષણનો ખર્ચ ઉઠાવવો પડ્યો હતો.” તેમણે દાવો કર્યો હતો કે AAPના નેતાઓ દરેક રાજ્યમાં દિલ્હીના શિક્ષણ મોડેલ વિશે વાત કરે છે, જ્યારે તે એક સુપર ફ્લોપ યોજના છે, કારણ કે સત્ય એ છે કે 12 વર્ષમાં રાજધાનીમાં એક પણ નવી શાળા ખોલવામાં આવી નથી.