લાઈટ ફિશિંગ અને લાઈન ફિશિંગના કારણે માછીમારોને નુકસાની, સરકાર પાસે મદદની આશા

અરવિંદ સોઢા, ગીર સોમનાથ: ગીર સોમનાથ જિલ્લો ભૂતકાળમાં માછીમારોનું હબ ગણાતો તે જિલ્લામાં હાલ માછીમારો નુકસાનીનો ધંધો કરી રહ્યા છે. આ કોઈ કુદરત સર્જિત સમસ્યા નથી, પરંતુ આ માનવસર્જિત સમસ્યા હોવાનો માછીમારોનો આક્ષેપ.

ભૂતકાળનું સમૃદ્ધ માછીમાર વેરાવળ બંદર અને વિપુલ માત્રામાં માછીમારીને કારણે સમગ્ર દેશમાં વેરાવળ બંદર અવ્વલ નંબરે ગણાતું. પરંતુ કાળક્રમે હાલ આધુનિક “લાઈટ ફિશિંગ” અને “લાઈન ફિસિંગ” કરાતું હોવાના કારણે મોટા મોટા વિદેશી હાર્બરો નાનામાં નાની માછલી કે જે હજુ વિકાસ પણ ન પામી હોય તેને પકડી લેવાય છે. જેના કારણે સ્થાનિક માછીમારોને ભારે મહેનત બાદ પણ દરિયામાંથી માછલીઓ મળતી નથી અને પોતે ખોટનો ધંધો કરવા લાચાર બને છે.

દરીયામાં જતી એક ફિશિંગ બોટ માટે બોટના માલિકે ચારથી પાંચ લાખનો ખર્ચ એક ટ્રીપ માટે કરવો પડે છે. જેમાં હજારો લિટર ડીઝલ, 5થી 6 ખલાસીઓ, તેમનું રાશન, જે 15થી 20 દિવસે દરિયામાંથી પરત આવે ત્યારે ચારથી પાંચ લાખનો ખર્ચ થાય છે. હાલ સ્થિતિ એ છે કે ચારથી પાંચ લાખનો ખર્ચ કર્યા બાદ બોટ ફિશિંગ કરી દરિયામાંથી પરત આવે ત્યારે બેથી ત્રણ લાખની માછલીઓ મળી શકે છે. જેના કારણે દરેક બોટ માલિકોને દોઢથી બે લાખની નુકસાની ભોગવવી પડી રહી છે.

માછીમારો કહી રહ્યા છે કે આ અમારા બાપ-દાદાનો પરંપરાગત ધંધો છે. જેથી અમે બીજા ધંધા બાબતે કંઈક કરી કે વિચારી પણ ન શકીએ. અમારી આજીવિકા માછીમારી જ છે. ત્યારે સરકાર દ્વારા લાઈટ ફિશિંગ અને લાઈન ફિશિંગ જે ગેરકાયદેસર છે તે કડકાયથી બંધ કરાવાય તો અમારો ધંધો ચાલી શકે. વધુમાં સરકાર દ્વારા ડીઝલ સબસીડી અને માછલીઓની રાખવાની સાવચેતી અને નિકાસ બાબતે જો સરકાર માછીમારોની મદદે આવે તો જ માછીમારીનો ધંધો અમે કરી શકીશું. બાકી હાલ સીઝનમાં પણ અનેક બોટો દરિયા કિનારે ઉભી છે. જેનું કારણ આર્થિક સમસ્યા અને અને સરકારની યોગ્ય મદદના અભાવે આ અમે પરેશાન છીએ. જો સરકાર યોગ્ય સહાય અને મદદ કરે તો જ આ ધંધો ચાલી શકે તેમ છે.