દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ, પૂર્ણા નદીએ લાલ નિશાન વટાવ્યું
Surat Rainfall: દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. નવસારી જિલ્લામાંથી પસાર થતી પૂર્ણા નદી 23 ફૂટના જોખમના નિશાનથી પાંચ ફૂટ ઉપર વહી રહી છે. જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા એસ એગ્રેએ જણાવ્યું હતું કે ઘણા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે જેના કારણે 2,200 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
પડોશી તાપી જિલ્લામાંથી પણ 500 લોકોને પાણી ભરાયેલા વિસ્તારોમાંથી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
નવસારીમાં 70 આંતરિક અને ચાર મુખ્ય માર્ગો પર પાણી ભરાવાના કારણે બંધ કરવા પડ્યા હતા. બંને જિલ્લાના કેટલાક વિસ્તારોમાં 173 મીમી સુધીનો વરસાદ નોંધાયો છે.
પૂર પ્રભાવિત લોકોને રહેવા માટે રાહત શિબિરો બનાવવામાં આવી છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓ દેવભૂમિ દ્વારકા, જામનગર અને પોરબંદરમાં છેલ્લા પાંચ દિવસથી પડી રહેલા ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે અને સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે.
ગુજરાતમાં મુશળધાર વરસાદ વચ્ચે નવસારી જિલ્લામાં પાણીનો ભરાવો થયો છે. જેના કારણે જિલ્લાના પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી લોકોને બહાર કાઢવાની કામગીરી નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સને સોંપવામાં આવી છે. જે બાદ NDRFની ટીમે પાણીમાં ડૂબેલા વિસ્તારોમાંથી 30 લોકોને બહાર કાઢ્યા હતા. જેમાં એક બીમાર મહિલા અને એક બાળકનો પણ સમાવેશ થાય છે. એનડીઆરએફની ટીમ હજુ પણ બચાવ કાર્યમાં લાગેલી છે.