મલેશિયાના ભૂતપૂર્વ PM અબ્દુલ્લા અહમદ બદાવીનું 85 વર્ષની વયે નિધન

Former Malaysian Prime Minister Death: મલેશિયાના પૂર્વ વડાપ્રધાન અબ્દુલ્લા અહમદ બદાવીનું 85 વર્ષની વયે અવસાન થયું છે. અબ્દુલ્લા ઘણા સમયથી બીમાર હતા. કુઆલાલંપુરની એક હોસ્પિટલે તેમના મૃત્યુની માહિતી આપી છે. અબ્દુલ્લાને 25 એપ્રિલ, 2024ના રોજ નેશનલ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટના ક્રિટિકલ કેર યુનિટમાં દાખલ કરવામાં આવ્યા હતા. અબ્દુલ્લા ન્યુમોથોરેક્સ નામની બીમારીથી પીડાતા હતા.

અબ્દુલ્લાને “પાક લાહ” તરીકે પણ ઓળખવામાં આવે છે, તેમને શ્વાસ લેવામાં તકલીફ થતાં રવિવારે કુઆલાલંપુરની સ્ટેટ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હાર્ટમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં કાર્ડિયોલોજિસ્ટની ટીમ દ્વારા તેમનું નજીકથી નિરીક્ષણ કરવામાં આવી રહ્યું હતું. પરંતુ તમામ પ્રયાસો છતાં, તેમનું સોમવારે સાંજે 7:10 વાગ્યે અવસાન થયું. 22 વર્ષ સુધી વડાપ્રધાન તરીકે સેવા આપ્યા બાદ વરિષ્ઠ નેતા મહાથિર મોહમ્મદના રાજીનામા બાદ 2003માં અબ્દુલ્લા વડાપ્રધાન બન્યા હતા.

જાણો, બદાવીના જીવન વિશે
અબ્દુલ્લા અહમદ બદાવીના પિતા મલેશિયાના શાસક નેશનલ ફ્રન્ટ ગઠબંધનમાં સૌથી પ્રભાવશાળી પક્ષ યુનાઇટેડ મલેય નેશનલ ઓર્ગેનાઇઝેશન (UMNO)ના સ્થાપક સભ્ય હતા. બદાવીનો જન્મ મલેશિયાના પેનાંગ પ્રાંતમાં થયો હતો અને તેમણે ઇસ્લામમાં ડિગ્રી મેળવી હતી. તેઓ 1978માં તેમના પિતાના મૃત્યુ સુધી સિવિલ સર્વિસ સાથે જોડાયેલા રહ્યા. આ પછી તેણે પોતાની રાજકીય કારકિર્દી શરૂ કરી. 1998માં તેઓ નાયબ વડાપ્રધાન તરીકે નિયુક્ત થયા.