December 22, 2024

ખેડૂતોની કનડગત સામે પૂર્વ ધારાસભ્યની લાલ આંખ, અમરેલી જિલ્લા કલેકટરને કરી રજૂઆત

દશરથસિંહ રાઠોડ (અમરેલી): સામાન્ય રીતે ખેડૂતોને હંમેશા દબાવવામાં આવતા હોય છે. ખેડૂતોનો અવાજ તંત્ર કે રાજકીય નેતાઓ સાંભળતા ન હોવાની વાતો સામે આવતી રહે છે. પરંતુ, જાફરાબાદ પંથકના અલગ જ દ્રશ્યો જોવામાં મળ્યા. જાફરાબાદ પંથકમાં સિમેન્ટ કંપનીઓ દ્વારા ખેડૂતોની જમીનોમાં થતી કનડગત સામે ભાજપના નેતા અંબરીશ ડેર વ્હારે આવ્યા હતા.

જાફરાબાદના બાબર કોટ ગામેથી સરપંચ સહિતના ખેડૂતોને લઈને પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેર અમરેલી કલેકટર કચેરીએ પહોંચ્યા હતા. પૂર્વ ધારાસભ્ય અને હાલના ભાજપના નેતા અંબરીશ ડેરે કલેકટર સમક્ષ ખેડૂતોની વ્યથાઓ જણાવી હતી. સિમેન્ટ કંપનીઓ દ્વારા બાબર કોટ ગામની જમીનોમાં માઈનિંગ આવેલ હોય ત્યારે વર્ષો પહેલા જ્યારે કંપનીઓ દ્વારા ખેડૂતોને ભોળવીને જમીનો 8 થી 10 હજારના ભાવે લઈ લીધી હતી. તે સમયે કંપનીઓ દ્વારા કહેવામાં આવ્યુ હતુ કે જ્યારે જમીનોની કંપનીઓને માઈનિંગ માટે જરૂર પડશે ત્યારે હાલના ભાવો આપશું પરંતુ હવે કંપનીઓ દ્વારા ખેડૂતોની જમીનો પર પોલીસ પ્રેશર નાખીને લેન્ડ ગ્રેબિંગ જેવા કેસો કરીને ડરાવી ધમકાવીને પોલીસ કેસો કરવામાં આવી રહ્યા છે.

સમગ્ર મામલે જ્યારે ખેડૂતો સાથે મળીને પૂર્વ ધારાસભ્ય દ્વારા રજૂઆત કરવામાં આવી ત્યારે, અમરેલી કલેકટર દ્વારા અંબરીશ ડેર અને ખેડૂતોને આશ્વાસન આપવામાં આવ્યું છે. આવતી કાલે અમરેલી જિલ્લા કલેકટર ખેડૂતો અને કંપનીના અધિકારીઓ સાથે બેઠક કરશે. કલેકટરે ખેડૂતોને અને કંપનીના અધિકારીઓને બેઠકમાં આધાર પુરાવાઓ સાથે હાજર રહેવા જણાવ્યું છે. ત્યારે, બાબર કોટના ખેડૂતો સાથે થઈ રહેલી ખોટી કનડગત સામે એકમાત્ર પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેર આગળ આવ્યા હતા. અગાઉ પણ મુખ્યમંત્રી સુધી રજૂઆતો કરીને કંપનીઓ પર લગામ લાગેલ હતી પણ હાલ કંપનીઓ દ્વારા ખેડૂતોને વધુ હેરાન પરેશાન કરાતા આજે અંબરીશ ડેર ખેડૂતોની વહારે આવ્યા હતા.