RBIના પૂર્વ ગવર્નર શક્તિકાંતા દાસને PM મોદીના પ્રિન્સિપાલ સેક્રેટરી તરીકે નિયુક્ત કરાયા

Former RBI Governor Shaktikanta Das: રિઝર્વ બેંકના ભૂતપૂર્વ ગવર્નર શક્તિકાંતા દાસને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પ્રિન્સિપાલ સેક્રેટરી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમનો કાર્યકાળ વડા પ્રધાન મોદીના કાર્યકાળ સાથે જ સમાપ્ત થશે. નોંધનીય છે કે, ડિસેમ્બર 2018માં તેમને રિઝર્વ બેંકના ગવર્નર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા, અને તેમનો કાર્યકાળ 10 ડિસેમ્બર, 2024ના રોજ સમાપ્ત થાયો હતો.
કેન્દ્ર સરકારમાં નિમણૂક સમિતિ દ્વારા જારી કરાયેલા જાહેરનામામાં કહેવામાં આવ્યું છે કે, મંત્રીમંડળની નિમણૂક સમિતિએ પ્રધાનમંત્રીના મુખ્ય સચિવ-2 તરીકે શક્તિકાંતા દાસ, IAS (નિવૃત્ત) (TN:80) ની નિમણૂકને મંજૂરી આપી છે. આ નિમણૂક તેઓ ચાર્જ સંભાળે તે તારીખથી અમલમાં આવશે. તેમની નિમણૂક PMના કાર્યકાળ સાથે સાથે અથવા આગામી આદેશો સુધી ચાલુ રહેશે.
શક્તિકાંત દાસ 1980 બેચના IAS અધિકારી છે
ઓડિશાની રાજધાની ભુવનેશ્વરના વતની 67 વર્ષીય શક્તિકાંતા દાસ 1980 બેચના તમિલનાડુ કેડરના IAS અધિકારી છે. તેમની કારકિર્દી દરમિયાન, તેમણે કેન્દ્ર અને તમિલનાડુ સરકાર માટે વિવિધ હોદ્દાઓ પર કામ કર્યું છે. કેન્દ્રમાં, તેમણે વિવિધ તબક્કામાં આર્થિક બાબતોના સેક્રેટરી, નાણાં સચિવ અને ફર્ટિલાઇઝર સેક્રેટરી તરીકે કામ કર્યું હતું. તેઓ દિલ્હીની પ્રખ્યાત સેન્ટ સ્ટીફન કોલેજના વિદ્યાર્થી રહ્યા છે.