February 24, 2025

જર્મનીના નવા ચાન્સેલર બનશે ફ્રેડરિક મેર્ઝ, ઓલાફ સ્કોલ્ઝની કારમી હાર

Germany Election 2025: રવિવારે જર્મનીની સામાન્ય ચૂંટણીમાં જર્મન વિપક્ષી નેતા ફ્રેડરિક મેર્ઝની રૂઢિચુસ્ત પાર્ટીએ જીત મેળવી. આ સાથે ફ્રેડરિક મેર્ઝ માટે જર્મનીના નવા ચાન્સેલર બનવાનો માર્ગ મોકળો થયો. ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝે તેમના ડાબેરી સોશિયલ ડેમોક્રેટ્સ માટે હાર સ્વીકારી, જેને તેમણે કડવી ચૂંટણી પરિણામ ગણાવ્યું.

બીજા વિશ્વયુદ્ધ પછી જર્મન ઇતિહાસમાં આ પહેલી વાર છે જ્યારે કોઈ જમણેરી પક્ષ સત્તામાં પાછો ફર્યો છે. જર્મનીના સંસદના નીચલા ગૃહ, બુન્ડેસ્ટાગ માટેની ચૂંટણીઓ મૂળ સપ્ટેમ્બરમાં યોજાવાની હતી. પરંતુ ગયા વર્ષે સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી (SPD), ગ્રીન્સ અને ફ્રી ડેમોક્રેટિક પાર્ટીના શાસક ગઠબંધનના પતન બાદ તેને તાત્કાલિક ચૂંટણીમાં લાવવાની ફરજ પડી હતી.

આંતરિક સંઘર્ષને કારણે ગઠબંધન તૂટી ગયું
ફ્રેડરિક મેર્ઝે કહ્યું કે તેઓ ગઠબંધન સરકાર બનાવવા માટે ઝડપથી આગળ વધશે. જોકે પ્રક્રિયા કેટલી સરળ હશે તે સ્પષ્ટ નથી. આ ચૂંટણીઓ નિર્ધારિત સમય કરતાં સાત મહિના પહેલા યોજાઈ હતી. તમને જણાવી દઈએ કે સ્કોલ્ઝનું ગઠબંધન અસંતોષ અને આંતરિક ઝઘડાને કારણે તૂટી ગયું હતું. જર્મન ચૂંટણીઓમાં, યુરોપિયન અર્થતંત્રમાં લાંબા સમયથી રહેલી સ્થિરતા અને ઇમિગ્રેશનને રોકવાનું દબાણ મુખ્ય મુદ્દાઓ હતા. ફ્રેડરિક મેર્ઝે આ અંગે કડક વલણ અપનાવ્યું હતું. આ સાથે યુક્રેનના ભવિષ્ય અને યુરોપના અમેરિકા સાથેના સંબંધો અંગેની અનિશ્ચિતતાની પણ આ ચૂંટણી પર અસર પડી.

આ પણ વાંચો: ભારત-પાકિસ્તાનની મેચ બાદ IIT બાબા થયા ટ્રોલ, વિરાટને લઈ કરી હતી મોટી ભવિષ્યવાણી

ફ્રેડરિક મેર્ઝે શું કહ્યું?
રવિવારે જર્મનીમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં જમણેરી વિપક્ષી નેતા ફ્રેડરિક મેર્ઝે જીતનો દાવો કર્યો હતો. અગાઉ એક્ઝિટ પોલમાં તેમની પાર્ટીને લીડ મળતી દર્શાવવામાં આવી હતી. મેર્ઝે કહ્યું કે તે જે પડકારોનો સામનો કરી રહ્યા છે તેનાથી તે વાકેફ છે અને તે સરળ નહીં હોય. મેર્ઝે કહ્યું કે તેમનો ધ્યેય શક્ય તેટલી વહેલી તકે અસરકારક ગઠબંધન બનાવવાનો છે.

સ્કોલ્ઝના સોશિયલ ડેમોક્રેટ્સ સાથે ગઠબંધન બનાવવા માટે મેર્ઝે પાસે બહુમતી હશે કે બીજા ભાગીદારની જરૂર પડશે તે સંસદમાં કેટલા પક્ષો પ્રવેશ કરશે તેના પર નિર્ભર રહેશે. રૂઢિચુસ્ત નેતાએ કહ્યું કે સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે જર્મનીમાં શક્ય તેટલી વહેલી તકે સરકાર પુનઃસ્થાપિત કરવામાં આવે.