December 27, 2024

ગાંધી જયંતિએ ગૂજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ શાળામાં સફાઈના પાઠ ભણાવશે

આશુતોષ ઉપાધ્યાય, અમદાવાદઃ ગૂજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ હવે શાળામાં જઇને સફાઈના પાઠ ભણાવશે. ગાંધી જયંતિ નિમિત્તે ગૂજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ દ્વારા અનોખો પ્રયોગ કરવામાં આવી રહ્યો છે. જેમાં તેઓ શાળાની સાથે અમદાવાદ શહેરની પણ સફાઈ કરીને સ્વચ્છતાનો સંદેશ આપશે.

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી સ્વચ્છતાના આગ્રહી હતા. ત્યારે આગામી બીજી ઓક્ટોબરે ગાંધી જયંતિ નિમિત્તે કેન્દ્ર સરકાર સ્વભાવ સ્વચ્છતા- સંસ્કાર સ્વચ્છતા અભિયાન હેઠળ સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી કરી રહ્યું છે. ત્યારે ગુજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ પણ તેમાં સહયોગ આપીને અનોખી પહેલ કરી રહ્યા છે. જેમાં તેઓ શાળાની સાથે સાથે અમદાવાદ શહેરની પણ સફાઈ કરશે.

આ સમગ્ર મામલે ગૂજરાત વિદ્યાપીઠના અધ્યાપક ડો. અતુલ પરમારે ન્યુઝ કેપિટલ સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે, 17મી સપ્ટેમ્બરથી લઇને બીજી ઓક્ટોબર સુધી સ્વચ્છતા હી સેવા અભિયાન ચાલી રહ્યું છે. ત્યારે ગૂજરાત વિદ્યાપીઠના 1800 જેટલા વિદ્યાર્થીઓ પણ તેમાં જોડાયા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે મળીને ગૂજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ ઉસ્માનપુરા વોર્ડના નંવરંગપુરા, સ્ટેડિયમ અને નારણપુરા 12 અતિ અસ્વચ્છ વિસ્તારોની સફાઇ હાથ ધરવામાં આવી રહી છે. આ ઉપરાંત લોકોમાં સફાઇની જાગૃતિ આવે તેનું પણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે

શહેરની સફાઈની સાથે સાથે શાળાના બાળકો પણ સફાઈ પ્રત્યે જાગૃત થાય તે માટે ગૂજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ અમદાવાદ શહેરની 500 જેટલી શાળાઓમાં જઇને શ્રમદાન કરવાના છે. આગામી પહેલી ઓક્ટોબરના રોજ વિદ્યાર્થીઓ શાળામાં જઇને સફાઈ કરશે. આ સાથે ગાંધીજી સાથે જોડાયેલી રોચક વાતો અને તેમના પ્રત્યેની જાણકારી આપવામાં આવશે.