September 17, 2024

ગાંધીનગરમાં ફોરેસ્ટ બીટ ગાર્ડના ઉમેદવારોનું આંદોલન, વિવિધ માગણીઓ સાથે વિરોધ

મલ્હાર વોરા, ગાંધીનગરઃ શહેરમાં એકપછી એક આંદોલન જોવા મળી રહ્યા છે. ટાટ, ટેટ પાસ ઉમેદવાર બાદ હવે ફોરેસ્ટ બીર્ટ ગાર્ડના ઉમેદવાર દ્વારા ગાંધીનગર ખાતે આંદોલન કરવામાં આવ્યું છે. ઉમેદવાર વિવિધ માગણીઓ સાથે ગાંધીનગર સેક્ટર 11ના રામકથા મેદાનમાં એકત્રિત થઈને ભરતી બીર્ટ ગાર્ડની ભરતી પ્રકિયાનો ભારે વિરોધ વ્યક્ત કર્યો હતો.

છેલ્લા ઘણા સમયથી ગૌણસેવા દ્વારા ફોરેસ્ટ, CCE, સબ ઓડિટર, સિનિયર સર્વેયર, Planning assistant, Work assistant, મદદનીશ ઈજનેર સિવિલ, ગ્રાફિક ડિઝાઈનર સહિત અન્ય અલગ અલગ વર્ગ અને કેડરની ભરતીઓ CBRT પદ્ધતિ દ્વારા લેવામાં આવી છે. આ પદ્ધતિનો ગુજરાતમાં પહેલીવાર જ્યારે પ્રયોગ કરવામાં આવ્યો તે પહેલા કહેવામાં આવતું હતું કે, આ CBRT દ્વારા પરીક્ષા લેતી એજન્સી ખૂબ વિશ્વસનીય, પારદર્શી, પેપર રહિત, ભૂલ રહિત છે. પરંતુ છેલ્લે લેવાયેલી તમામ પરીક્ષાઓમાં ખરી ઉતરી નથી. તેને કારણે અનેક છબરડાં સામે આવ્યા છે.

સૌથી મોટું નકારાત્મક પાસું એ છે કે, ગુજરાત સરકારની તમામ પરીક્ષાઓ ગુજરાતી ભાષામાં લેવામાં આવે છે. TCS કે અન્ય પ્રાઇવેટ એજન્સી દ્વારા જે કોન્ટ્રાકટ ધોરણે કામ આપવામાં આવે છે તેમાં તેને ગુજરાતી ભાષાનો કોઈ અનુભવ જ નથી હોતો. તેમ જ ગૌણસેવાના અધિકારી અને એજન્સીના માણસો વચ્ચે સંકલનનો અભાવ છે, જેથી પેપર સેટ કરવાનું અને પેપર ચેક કરવા માટેનું જે કામ સોંપવામાં આવે છે તેમાં સૌથી વધુ ભાષાંતરની ભૂલો જોવા મળે છે. ગૂગલ ટ્રાન્સલેશન કે અન્ય કોઈ એપ્લિકેશનનો ઉપયોગ કરી ભાષાંતર કરવામાં આવે છે, જેને કારણે જે ભાવાનુવાદ થવું જોઈએ તે થતું નથી અને અર્થનો અનર્થ થઈ જાય છે.

બીજી મુશ્કેલી એ પણ છે કે, એકથી વધારે શિફ્ટમાં જે પેપર લેવામાં આવે છે તેમાં પ્રશ્નોનું સ્તર જળવાતું નથી. કોઈ પેપર ખૂબ સહેલા નીકળે છે અને કોઈ પેપર ખૂબ અઘરા નીકળે છે. પછી નોર્મલાઇઝેશન મેથડ ઉપયોગ કરીને મેરીટ યાદી તૈયાર કરવામાં આવે છે, તેમાં ગુણભાર ચોક્કસાઈથી માપી શકાતો નથી અને તુલનાત્મક માપદંડો પણ જાળવતા નથી. આ નોર્મલાઇઝેશન પદ્ધતિ ખૂબ નુકશાનકારક અને અન્યાયકર્તા છે. તે પણ આ CBRT પદ્ધતિ ને કારણે દૂર થવી જોઈએ.

ખાસ કરીને ફોરેસ્ટના દરેક ઉમેદવારની માગણી છે કે, ગૌણસેવા પસંદગી મંડળ દ્વારા જે પરિણામ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે, તેમાં ફક્ત નામ પ્રસિદ્ધ કરવામાં આવે છે. તેના બદલામાં દરેક ઉમેદવારના નોર્મલાઇઝેશન મેથડ પહેલાં વાસ્તવિક માર્ક્સ કેટલા હતા અને નોર્મલાઇઝેશન મેથડ લાગુ કર્યા બાદ કોના-કેટલા માર્ક્સ ઉમેરવામાં આવ્યાં, કેટલા માર્ક્સ ઘટાડવામાં આવ્યાં તેની દરેક માહિતી કેટેગરીવાઇઝ અને માર્કસવાઇઝ પ્રસિદ્ધ કરવામાં આવે.

આ ઉપરાંત CBRT પરીક્ષા દરમિયાન અગણિતવાર ટેક્નિકલ ખામી આવી છે. જેથી ઉમેદવારને સમયનું નુકસાન થાય જ છે, પરંતુ તેની સાથે ઉમેદવારને ટેક્નિકલ ખામીને કારણે મોરલ પણ ડાઉન થઈ જતું હોય છે અને નિરાશ થઈ જતા હોય છે. જેથી નિયત કરેલ સમયમાં દરેક પ્રશ્નને ન્યાય નથી આપી શકતા.