August 18, 2024

જૂના પહાડિયા ગામ બારોબાર વેચવા મામલે 7 લોકો સામે પોલીસ ફરિયાદ

ગાંધીનગરઃ જિલ્લામાં આવેલું જૂના પહાડિયા ગામ બારોબાર વેચી દેવા મામલે ગ્રામજનોએ હોબાળો મચાવ્યો હતો. ત્યારે કબ્જો ધરાવનારા ગ્રામજનોના હોબાળા બાદ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સબરજિસ્ટારે જમીનની ખોટી વિગતો રજૂ કરનારા લોકો સામે ફરિયાદ દાખલ કરાવી છે. કુલ 7 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે.

પાટનગર ગાંધીનગરમાં ચોંકાવનારી ઘટના સામે આવી હતી. જેમાં વારસદારોએ દહેગામ તાલુકાનું જૂના પહાડિયા ગામ વેચીને ગામ લોકોને રઝળતા કરી દીધાં હતા. જૂના પહાડિયા ગામ અંદાજે આજથી 50 વર્ષ પહેલાં સરવે નંબર 142 પર વસ્યું હતું. જે-તે સમયે આ જમીનના માલિકે અમુક રકમ લઈને ગામનો વસવાટ કરવા માટે મંજૂરી આપી હતી.

જમીન માલિકની મંજૂરી બાદ ગામની રચના થઈ અને ત્યાં 88થી વધુ પરિવારોએ વસવાટ કર્યો હતો. પરંતુ ગામ લોકોએ સપનામાં પણ નહીં વિચાર્યું હોય કે, આટલા વર્ષો પછી તેમને ઘર ખાલી કરવાનો વારો આવશે. 50 વર્ષ પછી જમીન માલિકના વારસદારોએ ગામની જમીનનો બારોબાર સોદો કરી દીધો હતો. એટલું જ નહીં ગત 23 જૂનના રોજ ગામના દસ્તાવેજ પણ કરી દીધા હતા. ત્યારે હવે આ અંગે ગામ લોકોને જાણ થતાં હવે આખાય ગામાના લોકો ચિંતામાં મૂકાયાં છે.