January 19, 2025

Gaza Ceasefire: ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામનો અમલ, PM નેતન્યાહૂએ કરી જાહેરાત

Gaza Ceasefire: ઇઝરાયલ-હમાસ ગાઝા યુદ્ધવિરામ કરાર હેઠળનો યુદ્ધવિરામ ઘણા ઉેતાર-ચઢાવ પછી આજે અમલમાં આવ્યો. ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ પોતે આ જાહેરાત કરી છે. જોકે આ વિરામ આજે રવિવારે સવારે 8.30 વાગ્યે થવાનો હતો અને બંને પક્ષના બંધકો અને કેદીઓને મુક્ત કરવાના હતા, પરંતુ પછી મામલો અટકી ગયો. અગાઉ, બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું હતું કે જ્યાં સુધી હમાસ દ્વારા મુક્ત કરાયેલા બંધકોની યાદી પ્રાપ્ત ન થાય ત્યાં સુધી ગાઝામાં યુદ્ધવિરામ અમલમાં આવશે નહીં. આ પછી હવે હમાસે યાદી સુપરત કરી છે. સ્થાનિક સમય મુજબ સવારે 8:30 વાગ્યે યુદ્ધવિરામ લાગુ થયાના એક કલાક પહેલા તેમણે એક નિવેદનમાં ચેતવણીનો પુનરોચ્ચાર કર્યો.

નોંધનીય છે કે, હમાસે નામો સબમિટ કરવામાં વિલંબ માટે “ટેકનિકલ કારણો” ગણાવ્યા છે. તેમણે એક નિવેદનમાં કહ્યું કે તેઓ ગયા અઠવાડિયે જાહેર કરાયેલા યુદ્ધવિરામ કરાર પ્રત્યે પ્રતિબદ્ધ છે. બીજી બાજુ, ઇઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ શનિવારે કહ્યું હતું કે તેમનો દેશ હમાસ સાથેના યુદ્ધવિરામને કામચલાઉ માને છે અને જો જરૂરી હોય તો લડાઈ ચાલુ રાખવાનો અધિકાર અનામત રાખે છે. ઇઝરાયલને બંધકોની યાદી ન મળતાં યુદ્ધવિરામ 3 થી 4 કલાક માટે મોડો પડ્યો. પ્રથમ હપ્તામાં લગભગ 42 ઇઝરાયલી બંધકોને મુક્ત કરવામાં આવશે.

યુદ્ધવિરામમાં વિલંબને કારણે ઇઝરાયલે હવાઈ હુમલા શરૂ કર્યા, પછી હમાસે યાદી આપી
યુદ્ધવિરામમાં વિલંબ થયા બાદ રવિવારે ઇઝરાયલે ફરી ગાઝા પર હવાઈ હુમલા શરૂ કર્યા. આમાં ઓછામાં ઓછા 8 લોકોના મોત થયા. જ્યારે ઘણા લોકો ઘાયલ થયા હતા. આ પછી હમાસે ઇઝરાયલી બંધકોની યાદી તેને સોંપી દીધી. પરિણામે, ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ યુદ્ધવિરામની જાહેરાત કરી.

નેતન્યાહૂનું રાષ્ટ્રને સંબોધન
યુદ્ધવિરામ શરૂ થયાના 12 કલાક પહેલા રાષ્ટ્રને સંબોધન કરતા, નેતન્યાહૂએ દાવો કર્યો કે તેમને અમેરિકાના ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું સમર્થન છે, જેમની સાથે તેમણે બુધવારે વાત કરી હતી. નેતન્યાહૂએ હમાસ દ્વારા યુદ્ધવિરામ માટે સંમત થવા પાછળનું કારણ લેબનોન અને સીરિયામાં ઇઝરાયલની લશ્કરી સફળતાઓનો પણ ઉલ્લેખ કર્યો. “અમે મધ્ય પૂર્વનો ચહેરો બદલી નાખ્યો છે,” પરંતુ આ યુદ્ધવિરામ ત્યાં સુધી અસરકારક રહેશે નહીં જ્યાં સુધી હમાસ બંધકોની યાદી સોંપશે નહીં.