ભાવનગર જિલ્લાનું અડધું ઘોઘા ગામ થયું પાણી પાણી, ગામમાં ફરી વળ્યું દરિયાનું પાણી

ભાવનગર: જિલ્લાનું અડધું ઘોઘા ગામ પાણી પાણી થયું છે. ગામની અંદર દરિયાનું પાણી ફરી વળ્યું છે. સુરક્ષા દીવાલ તૂટી ગઈ હોવાથી હાઈ ટાઇડ સમયે પાણી ગામમાં ઘૂસી જાય છે. વર્ષમાં એકવાર દરિયામાં મોટી ભરતી આવે છે જેને કારણે આવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે. સંરક્ષણ દીવાલ તૂટેલી હોવાથી દરિયાનું પાણી ગામમાં ઘૂસી જતા લોકોને હાલાકી ભોગવવી પડે છે.
આ બાબતે ગામલોકો દ્વારા અનેકવાર રજૂઆત પણ કરવામાં આવી છે, તેમ છતાં આ મુદ્દે કોઈ કાર્યવાહી થઇ નથી. સરકારીના અલગ અલગ વિભાગોમાં વહેંચાયેલી દીવાલ સંકલનના અભાવે બની નથી. દરિયાના પાણી ફરી એકવખત ગામમાં ઘૂસી જતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. પાણી ઘોઘા ગામના સેન્ટ મેરી સ્કૂલ, મોરા વિસ્તાર, જેટી રોડ, માછીવાડા, પીરાણા પીરની દરગાહ સહિતના વિસ્તારોમાં ફરી વળ્યાં છે. ત્યારે આ મુદ્દે જલ્દીથી તંત્ર યોગ્ય કાર્યવાહી કરે તેવી લોકમાગ ઉઠવા પામી છે.