November 17, 2024

ગીર સોમનાથમાં DAP ખાતરની અછતથી ખેડૂતો મૂંઝવણમાં

અરવિંદ સોઢા, ગીર સોમનાથઃ જિલ્લામાં ફરી એકવાર ખાતરની અછત પડી છે. રવી પાકનાં વાવેતર સમયે ડીએપી ખાતરની અછત સર્જાતા ખેડૂતોને ધરમ ધક્કા ખાવા પડી રહ્યા છે. એક તરફ સરકાર ખેડૂતલક્ષી યોજનાઓ લાવી રહી છે, ત્યારે તંત્ર દ્વારા ખાતરની અછત સર્જાતા ખેડૂતો વિમાસણમાં મૂકાયા છે.

ગીર સોમનાથ જિલ્લામાં ખેડૂતો ચોમાસું પાક લઈને હવે શિયાળું પાક ઘઉંની તૈયારી કરી રહ્યા છે. ખેતરમાં ખેડ કરી ખેતરો ઘઉંના પાક માટે તૈયાર કરી રહ્યા છે. ઘઉંના પાક માટે અત્યંત ઉપયોગી એવું ડીએપી ખાતર હાલમાં મળતું નથી. ત્યારે ઘઉંનો પાક કેમ લેવો તેવી વિમાસણમાં ગીરનાં ખેડૂતો પડ્યા છે.

છેલ્લા ઘણાં વર્ષથી ખેડૂતોને કુદરતનો માર તો સહન કરવો પડે છે. આ ઉપરાંત પડ્યા પર પાટું સમાન ખાતરની અછત પણ મૂંઝવણમાં મૂકાવી દે છે. ડીએપી ખાતર ઘઉંના પાક માટે પાયાની જરૂરિયાત છે. દર વર્ષે રવીપાકની સિઝનમાં ખાતરની અછત રહે છે. ત્યારે ખેડૂતોના મનમાં પ્રશ્ન ઉદ્ભવે છે કે આવું શા માટે થાય છે? કોઈ કાળા બજારીયા ખાતરનો સંગ્રહ કરી રહ્યા છે કે ઉત્પાદન ઓછું છે? ઈફ્કોમાંથી શા માટે પૂરતા પ્રમાણમાં સપ્લાય મળતી નથી? ખેડૂતોની માગ છે કે, ‘સરકાર આ બાબતે ખાસ ધ્યાન આપી ડીએપી ખાતરની વ્યવસ્થા કરે.’