ઇકો સેન્સિટિવ ઝોન મામલે 24 ગામના સરપંચ-પ્રતિનિધિની બેઠક, ગામેગામ રથ ફેરવાશે
અરવિંદ સોઢા, ગીર સોમનાથઃ ઇકો સેન્સિટીવ ઝોન મામલે તાલાલા ગીરના આંકોલવાડી ગામે 24 ગામોના સરપંચો અને આગેવાનોની બેઠક મળી હતી. બેઠકમાં આગામી દિવસોમાં સુપ્રીમ કોર્ટ જવું અને આંદોલનની રણનીતિ ઘડવામાં આવી છે. આ સાથે ગામેગામ રથ ફેરવવાની યોજના બનાવવામાં આવી હતી.
લાંબા સમયથી ગીરમાં ઇકો સેન્સિટીવ ઝોનનો વિરોધ જોવા મળી રહ્યો છે. એક તરફ સરકારે વાંધા રજૂ કરવા આપેલો 60 દિવસનો સમય પૂર્ણ થયો છે અને હવે શું? આ સવાલ સૌ કોઈને થઈ રહ્યો છે અને ખેડૂતો-ખેડૂત આગેવાનો પણ જવાબની રાહ જોતા હતા. જો કે, કોઈપણ પ્રકારનો જવાબ હજુ સુધી ન મળતા આખરે સુરતથી ખેડૂત નેતાઓ ગીર સોમનાથ પહોંચ્યા છે અને ગીર સોમનાથના તાલાલા ગીરના આંકોલવાડી ગામ ખાતે તાલાલાના 24 ગામોના સરપંચ-પ્રતિનિધિઓ અને ખેડૂત નેતાઓ સાથે બેઠકોનો ધમધમાટ શરૂ કર્યો છે.
તાલાલાના આંકોલવાડી ગામે મળેલી સરપંચની બેઠકોમાં આગામી દિવસોમાં આંદોલન છેડવાનું નક્કી કરાયું છે અને આંદોલન કઈ રીતે કરવું તેવી પણ રણનીતિ ઘડી કાઢવામાં આવી છે. સ્થાનિક આગેવાનો અને સરપંચોના જણાવ્યા મુજબ ત્રણ જિલ્લાના પ્રભાવિત 196 ગામોના ખેડૂતોને જાગૃત કરવામાં આવશે. તેના માટે એક રથ તૈયાર કરવામાં આવશે અને રથ ગામેગામ ફરી ખેડૂતોને ઇકોઝોન વિરૂદ્ધમાં જાગૃત કરશે. એટલું જ નહિ, આગામી દિવસોમાં જૂનાગઢના વિસાવદર ખાતે વિશાળ સંમેલનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 196 ગામના સરપંચની સાથે સાથે તમામ ખેડૂતો ગામના લોકો અને ખેડૂત આગેવાનો ઉપસ્થિત રહેશે.
બીજી તરફ તાલાલાના ગ્રામ્ય વિસ્તારના સરપંચો અને સરપંચ પ્રતિનિધિઓએ ઇકોઝોનના વિરુદ્ધમાં એક થઈ લડી લેવાની રણનીતિ બનાવી છે. આગામી સમયમાં સુપ્રીમ કોર્ટમાં જવાની પણ તૈયારી દર્શાવી છે. જો કે આ લડતમાં કોઈ પણ રાજકીય નેતાને સામેલ ન કરવાનું પણ હાલ તો સૂચન કરાયું છે. આગામી દિવસોમાં આંદોલન કરવાનું નક્કી કર્યું છે. ઉલ્લેખનીય છે કે, ઇકો ઝોનના વિરુદ્ધમાં વાંધા રજૂ કરવા 60 દિવસની સમય મર્યાદા પૂર્ણ થયાને આશરે એકાદ મહિનો વીત્યો છતાં કોઈ યોગ્ય જવાબ ન મળતા ખેડૂતોની ચિંતા વધી છે અને હવે ખેડૂતો સરકારની ચિંતા વધારી શકે છે.