October 8, 2024

ગીર-સોમનાથમાં 27 કરોડના ખર્ચે તૈયાર થયેલા તટરક્ષક દળના આવાસનું લોકાર્પણ

gir somnath Inauguration of Coast Guard Accommodation cost of 27 Crores

કોસ્ટ ગાર્ડ જવાનોના આવાસનું લોકાર્પણ કરવામાં આવ્યું

રાજેશ ભજગોતર, ગીર-સોમનાથઃ રાષ્ટ્રીય સુરક્ષા અને સલામતી માટે ભારતીય તટરક્ષક દળ માટે વેરાવળના ઈણાજમાં આશરે 27 કરોડના રૂપિયે તૈયાર થયેલા ઓટીએમ અને આવાસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. દરિયાઈ માર્ગે ગેરકાયદેસર માછીમારી, માઈનિંગ અને હ્યુમન ટ્રાફિકિંગ જેવા પડકારોને પહોંચી વળવા માટે ભારતીય તટરક્ષક દળને વધુ સાધન સરંજામથી વધુ સજ્જ કરવામાં આવી રહ્યું છે. જેથી ભારતીય દરિયાઈ સીમા વિસ્તાર શાંત, સલામત અને સુરક્ષિત રહી શકે.

ભારતીય તટરક્ષક દળના ઈણાજમાં આવેલા સ્ટેશને તટરક્ષક દળના જવાનો માટે રહેવા માટેના આવાસો અને ઓટીએમ સાથે હેલિપેડનું લોકાર્પણ ભારત સરકારના રક્ષાસચિવ ગિરિધર અરમનેની વિશેષ ઉપસ્થિતિમાં ગાયત્રીબેન અરમનેએ કર્યું હતું. ગુજરાત 1600 કિલોમીટરનો વિશાળ દરિયાકિનારો ધરાવે છે. ત્યારે આંતરરાષ્ટ્રીય પડકારોને પહોંચી વળવા માટે ભારતીય તટરક્ષક દળને મજબૂત બનાવવું એ આજના સમયની માંગ છે. ત્યારે વેરાવળથી તાલાલા જતા રોડ પાસે ઈણાજમાં કલેક્ટર કચેરીને નજીક ભારતીય તટરક્ષક દળના જવાનોને રહેવા માટે 60 આવાસોની સાથે વ્યાયામ રમતગમત તેમજ વોલિબોલ સહિતની રમતો માટે મેદાન તેમજ પરેડ ગ્રાઉન્ડ તેમજ સુએઝ ટ્રીટમેન્ટની સાથે મેસની સુવિધાઓ સાથે ભારતીય તટરક્ષક દળના જવાનોને સારી સગવડો તેમના કામના સ્થળે જ મળી રહે એવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

આ ઉપરાંત આ સ્ટેશન ખાતે 75 બાય 75 મીટરનું હેલિપેડ પણ બનાવવામાં આવ્યું છે. જેથી વેરાવળમાં તેમજ વિવિધ અભિયાનો માટે હેલિપેડ બનવાથી આકસ્મિક બચાવ, રાહત સહિતની કામગીરી વધુ સારી રીતે કરી શકાશે. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય સીમા પરની ગતિવિધિઓ પર પણ ભારતીય તટરક્ષક દળ સારી રીતે દેખરેખ રાખી શકાશે તેવી વ્યવસ્થા ઈણાજ ગામ ખાતે ઉભી કરવામાં આવી છે.