November 25, 2024

Girની કેસર કેરીની સિઝન પૂરી, આ વર્ષે 500 ટન કેરી વિદેશીઓએ ખાધી

ગીર સોમનાથઃ ગીર પંથક કેસર કેરીના ગઢ તરીકે જાણીતો છે. ત્યારે અહીંની કેસરનો સ્વાદ વિશ્વના ખૂણે ખૂણે વસતા લોકોની દાઢે વળગ્યો છે. સમગ્ર વિશ્વમાં આ કેસર કેરીની નિકાસ કરવામાં આવે છે. ત્યારે હવે જોવા જઈએ તો, અહીં કેસર કેરીની સિઝન વિધિવત્ રીતે પૂર્ણ થઈ છે.

અંદાજે 42 દિવસ સુધી કેસર કેરીની સિઝન ચાલી છે. ત્યારે આ દિવસોમાં તાલાલા મેંગો માર્કેટમાં 5.96 લાખથી વધુ કેસર કેરીના બોક્સની આવક થઈ છે. તો બીજી તરફ, આ વર્ષે અમેરિકા, દુબઈ સહિત વિશ્વના અનેક દેશમાં 500 ટન આસપાસ કેસર કેરી એક્સપોર્ટ કરવામાં આવી છે. ગત વર્ષની તુલનામાં કેસર કેરીની આવક 50 ટકા જેટલી ઓછી હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, ઉનાળાની ઋતુમાં આવેલા કમોસમી વરસાદે અને વાવાઝોડાએ કેસર કેરીના બગીચાઓમાં મોટા પ્રમાણમાં નુકસાન પહોંચાડ્યું હતું. તેને કારણે મોટા પ્રમાણમાં કેરીઓ ખરી પડી હતી અને ઉત્પાદન ઓછું મળ્યું હતું.

આ વર્ષે કેસર કેરીનું ઉત્પાદન ઓછું હોવાથી ભાવ પણ સારા મળ્યા હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. તો બીજી તરફ, મેંગો માર્કેટમાં અથાણા માટેની કેરીની હરાજી કરવામાં આવી હતી. જેમાં 10 કિલો કાચી કેરીના બોક્સની 400થી 1400 સુધી બોલી લાગી હતી. તો સરેરાશ ભાવ 600થી 700 રૂપિયાની આસપાસ આંકવામાં આવી રહ્યા છે.