November 25, 2024

હિન્દુ નામ ધારણ કરી યુવાનોને લૂંટતી વિધર્મી લૂંટેરી દુલ્હન ઝડપાઈ

Gir somnath lcb arrested looteri dulhan included 4 accused

ત્રણ મહિલા સહિત કુલ 4 આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

રાજેશ ભજગોતર, ગીર સોમનાથઃ ક્રાઇમ બ્રાન્ચે લૂંટેરી દુલ્હન ગેંગનો પર્દાફાશ કરી ત્રણ મહિલા સહિત ચાર આરોપીની ધરપકડ કરી છે, જ્યારે રાજકોટના મુખ્ય સૂત્રધાર રિયાઝને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. સૂત્રાપાડાના હરણાસા ગામના યુવકને શિકાર બનાવી 1.24 લાખ પડાવી લીધા હતા અને લગ્નના 12 દિવસમાં જ દુલ્હન કપડાં, મોબાઈલ અને રોકડ લઈ અડધી રાત્રે ફરાર થઈ જતા યુવકે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

સૌરાષ્ટ્રમાં છેલ્લા ઘણાં સમયથી લૂંટરી દુલ્હનના અનેક કિસ્સા સામે આવી રહ્યા છે. ત્યારે ગીર સોમનાથ જિલ્લા ક્રાઇમ બ્રાન્ચને આવી લૂંટરી દુલ્હન ગેંગને ઝડપી પાડવામાં સફળતા મળી છે. આ મામલે ગીર સોમનાથ એ.એસ.પી જીતેન્દ્ર અગ્રવાલે પત્રકાર પરિષદ યોજી માહિતી આપતા જણાવ્યું હતું કે, સૂત્રાપાડાના હરણાસા ગામના અજય સોલંકી નામનો યુવક અપરણિત હોય અને લગ્ન કરવા છોકરીની શોધમાં હતો તે દરમિયાન તેનો પરિચય દલાલીનું કામ કરતા સૂત્રાપાડાના કોળી નરસિંગ વાજા સાથે થયેલા બાદમાં જૂનાગઢના શમીમબેન ઉર્ફે સીમાબેન ખેમરાજ જોશી અને દીપકભાઇ હીરાલાલ નાગદેવનો થયેલો ત્યારબાદ આ ત્રણેય દલાલોએ રાજકોટના રિયાઝ કરીમભાઇ મિર્ઝા અને કોમલ ઉર્ફે મુસ્કાન રિયાજભાઇ મિર્ઝાનો સંપર્ક કરાવ્યો હતો.

આ તમામ લોકોએ કાવતરૂં કરી ફરીયાદી અજય પાસે થી કુલ 1.24 લાખ લઈ દલાલ રિયાઝે કૌશરબાનુનું રીન્કલ અનીલભાઇ પંડ્યા નામનું ખોટું આધારકાર્ડ તથા લિવિંગ સર્ટી બનાવી ખોટો દસ્તાવેજ ઉભો કરી નોટરી મારફતે અમરેલી જિલ્લાના બાંટવા દેવળી ગ્રામપંચાયતમાં લગ્ન નોંધણી કરાવી હતી. તેમાં ઉપરોક્ત તમામ દલાલોએ સાક્ષી તરીકે સહી કરી આપી હતી. ત્યારબાદ આ કૌશરબાનુ ફરીયાદીના હરણાસા ગામે ઘરે 10 દિવસ રોકાયા બાદ ફરાર થઈ ગયા હતા. આ બાબતે ફરીયાદીએ આ દલાલોનો સંપર્ક કરતા તેઓ દ્વારા ખોટા ગુનામાં સંડોવી દેવાની ધમકી આપી હતી અને પૈસા બાબતે કોઈ જવાબ આપ્યો નહીં.

આ ઘટના અંગે ભોગ બનનારા યુવકે પોલીસને ફરિયાદ અરજી આપતા ગીર સોમનાથ LCBના ઇ.ચા.પો.ઇન્સ. એ.બી.જાડેજા તથા પો.સબ ઇન્સ. એ.બી.વોરા અને સ્ટાફના એ.એસ.આઇ. રામદેવસિંહ જાડેજા તથા પો.હેડ કોન્સ. ભુપેન્દ્રસિંહ ચાવડાએ ટેક્નિકલ એનાલિસિસ તથા હ્યુમન સોર્સિસ દ્વારા તપાસ કરતા આ ફરાર થયેલા યુવતી કૌશરબાનુ ઉર્ફે રીન્કલ અનીલભાઇ પંડયા રહે. વિરમગામ જી.અમદાવાદવાળીને નવસારીથી શોધી કાઢી હતી. આ છેતરપિંડીમાં મદદગાર અન્ય દલાલ કોમલ ઉર્ફે મુસ્કાન રિયાઝ મિર્ઝાને આણંદથી તથા શમીમબેન ઉર્ફે સીમાબેનને જૂનાગઢથી તથા નરસિંગભાઈ વાજાને સૂત્રાપાડાથી શોધી કાઢી આ ગુનાના કામે ધરપકડ કરી હતી.

આ સમગ્ર પ્રકરણમાં આરોપીઓએ મુસ્લિમ પરણિતા કૌશરબાનુનું હિન્દુ યુવતી તરીકે બનાવટી આધારકાર્ડ, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ બનાવ્યું તેમજ મેરેજ સર્ટિફિકેટ પણ બનાવી આપ્યું હતું. આ ગેંગ દ્વારા અન્ય વધુ યુવકોને પણ શિકાર બનાવી લાખો રૂપિયા ખંખેર્યા હોવાની વિગતો સામે આવતા પોલીસ દ્વારા આરોપીઓના રિમાન્ડ મેળવી વધુ પૂછપરછ હાથ ધરી છે.

હાલ તો આ ગુના મામલે સૂત્રાપાડા પોલીસ સ્ટેશનમાં છ આરોપીઓ વિરુદ્ધ આઇપીસીની કલમ 406, 420, 465, 467, 468, 471, 506(2), 34, 120 B મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જેમાં લગ્ન કરવા માટે ખોટું નામ રીન્કલ અનીલભાઇ પંડ્યા ધારણ કરનારી નવસારી જિલ્લાના વાસદા ગામે રહેતી લૂંટરી દુલ્હન કૌશરબાનુ વા/ઓ અશરફ યુસુફ કાન્ત્રી મુસ્લીમ, ઉ.વ.૩૨ની તેમજ મુખ્ય સૂત્રધાર રાજકોટના રિયાઝની પત્ની મુસ્કાન વા/ઓ રીયાજ કરીમભાઇ મીરજા તેમજ જૂનાગઢની દલાલ શમીમબેન ઉર્ફે સીમાબેન વા/ઓ ખેમરાજ હરીપ્રસાદ જોશી, ઉ.વ.૪૮, તેમજ સૂત્રાપાડાના દલાલ નરસીંગભાઈ વાજાને પોલીસે ઝડપી પાડ્યા છે. જ્યારે મુખ્ય આરોપી રાજકોટનો રિયાઝ કરીમ મિર્ઝા તેમજ જુનાગઢના નાગદેવ દીપકકુમાર હીરાલાલ ફરાર થઈ જતા આ બંનેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.