January 22, 2025

પ્રાચી તીર્થની સરસ્વતી નદીનું પાણી અતિપ્રદૂષિત, હજારો માછલાનાં મોતથી દુર્ગંધ

અરવિંદ સોઢા, ગીર સોમનાથઃ કહેવાય છે સોવાર કાશી અને એકવાર પ્રાચી. પરંતુ પ્રાચી તીર્થની સરસ્વતી નદી છેલ્લા બે વર્ષથી દૂષિત બનતા હજારો માછલીઓનાં મોત નીપજ્યા છે અને દેશભરમાંથી પિતૃ તર્પણ માટે આવતા યાત્રીઓ દુર્ગંધના કારણે પરેશાન થયા છે.

પ્રાચી તીર્થ કે જ્યાં દેશભરમાંથી પિતૃઓના મોક્ષ માટે લાખો લોકો આવતા હોય છે. એટલે જ કહેવાય છે કે ‘સોવાર કાશી, એકવાર પ્રાચી’. કારણ કે ભગવાન શ્રી કૃષ્ણએ પણ પિતૃઓનું શ્રાદ્ધ અહીંના મોક્ષપીપળે જ કર્યું હતું. છેલ્લા બે વર્ષથી પ્રાચી તીર્થની સરસ્વતી નદી અચાનક દૂષિત બનતા આસપાસના વિસ્તારમાં દુર્ગંધ આવી રહી છે.

પ્રાચી તીર્થ કુંડ નજીક હજારો માછલાંઓનું મોત થયાના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. જ્યાં એક તરફ પ્રાચી તીર્થમાં મોક્ષપીપળો છે અને બાજુમાં લોકો સરસ્વતી નદીના પાણીએ સ્નાન કરી રહ્યા છે. બીજી તરફ સરસ્વતી નદીનું દૂષિત પાણી લાખો શ્રદ્ધાળુઓ પિતૃઓને પાણી રેડવા માટે ઉપયોગમાં લે છે. આજ કુંડમાં ભાવિકો ડૂબકી લગાવી પાપ ધોતા હોય છે.

હાલ સ્થાનિક નેતાઓની નજર અંદાજગી કહો કે પ્રસાશનની નકારાત્મકતા… કારણ કે ચોમાસા બાદ ગીર જંગલમાંથી વહેતી આ સરસ્વતી નદી એકાએક દૂષિત થવાના કારણે હજારો માછલાનાં મોત થયા હોવા છતાં કોઈના ધ્યાને આવતું નથી. આસપાસના વિસ્તારમાં દુર્ગંધ આવી રહી છે, તો દૂર દૂરથી પિતૃશ્રાદ્ધ માટે આવતા ભાવિકો પ્રાચી તીર્થની અલગ જ છબી લઈને જઈ રહ્યા છે.

અચાનક બીજા વર્ષે પણ દૂષિત પાણી થવાના લીધે હજારો માછલાનાં મોત થયા છે. મૃત માછલાઓ સતત પાણીમાં રહેવાથી અને સ્વચ્છતાના અભાવે નદીનું પાણી હવે ઝેર બન્યું હોય તેવું પણ સ્થાનિકો કહી રહ્યા છે. કારણ કે નદીનું પાણી પક્ષીઓ પણ પીતાંની સાથે મોતને ભેટી રહ્યા છે. એક તરફ દેશભરમાં સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે અને ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર પણ જિલ્લાના અલગ અલગ ગામો અને શહેરોમાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ફોટા પડાવી સંતોષ માની રહ્યું છે.

સમગ્ર ગીર સોમનાથ જિલ્લો સ્વચ્છ હોવાના દાવા કરી રહ્યું છે, પરંતુ જ્યાં પાંડવો અને ભગવાન શ્રીકૃષ્ણએ પિતૃશ્રાદ્ધ કર્યું અને આજે પણ દેશ ભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ પિતૃશ્રાદ્ધ માટે આવે છે, તે પ્રાચી તીર્થની સરસ્વતી નદી દૂષિત બનવા છતાં અને હજારો માછલાનાં મોત થતાં હોવા છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે.