June 28, 2024

સ્માર્ટ મીટર મામલે વીજ વિભાગનો મોટો ખુલાસો – મીટર ફરજિયાત નથી

વેરાવળઃ હાલ રાજ્યભરમાં સ્માર્ટ મીટરનો વિરોધ થઈ રહ્યો છે. ત્યારે ગીર સોમનાથના વેરાવળમાં વીજ વિભાગે રાજ્યમાં થઈ રહેલા વિરોધના પગલે પ્રેસ કોન્ફરન્સ કરી લોકોને અપીલ કરી રહ્યુ છે. વેરાવળની કાર્યપાલક ઇજનેર કચેરીમાં આ મામલે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.

PGVCLએ જણાવ્યુ હતુ કે, પ્રથમ ફેઝમાં તાલાલા, વેરાવળ અને સૂત્રાપાડા તાલુકામાં 1.5 લાખ ઘરમાં મીટર લગાવવાની કામગીરી શરૂ થઈ ગઈ છે. વેરાવળમાં કનઝ્યુમરને ત્યાં 400 મીટર લગાવી દેવામાં આવ્યા છે અને એકપણ ફરિયાદ કે વિરોધ જોવા નથી મળ્યો. સ્માર્ટ મીટર લગાવવાથી ગ્રાહકોને કયા કયા પ્રકારના ફાયદા થશે તે મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ હવામાન વિભાગની આગાહી, આ 10 જિલ્લામાં પડશે અંગ દઝાડતી ગરમી

વીજ વિભાગે મહત્વનો ખુલાસો કરતા કહ્યુ હતુ કે, ‘આ સ્માર્ટ મીટર ફરજિયાત નહીં પણ મરજિયાત છે, જે લોકો સ્વેરછાએ લગાવવા માગે છે, ત્યાં જ તેની મંજૂરી લઈને લગાવીએ છીએ. સ્માર્ટ મીટર લગાવવા માટે કુલ 20 ટીમો કાર્યરત છે અને 2025 સુધીમાં આ મીટર લગાવવાની કામગીરી પૂર્ણ થશે.’

વીજ વિભાગ કહે છે કે, આ સ્માર્ટ મીટર ઇન્ડિયામાં બેંગ્લોરમાં તૈયાર કરવામાં આવે છે. જેની કિંમત 7 હજાર રૂપિયા છે પણ ગ્રાહકોને વિનામૂલ્યે લગાવવામાં આવે છે. હાલ વિવાદને જોતા વીજ કર્મચારીઓના ઘરે આ સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી ચાલી રહી છે. લોકો સુધી ખોટો મેસેજ પહોંચ્યો છે કે, તેના કારણે લોકો વિરોધ કરી રહ્યા છે.