June 30, 2024

Rajkotમાં યુવતીનો આતંક, અકસ્માત સર્જ્યા બાદ પોતાની જ એક્ટિવા સળગાવી દીધી

રાજકોટ: રાજકોટમાં અકસ્માતોની વણથંભી વણઝાર યથાવત છે ત્યારે રાજકોટના સયાજી હોટલ નજીક એક યુવતીએ અકસ્માત સર્જ્યા બાદ દાદાગીરી કરી હોવાનો વીડિયો સામે આવ્યો છે. આ અકસ્માત બાદ યુવતીએ રોફ જમાવી પોતાનું એક્ટીવા સળગાવ્યું હતું. યુવતીએ અકસ્માત સર્જ્યા બાદ રોફ જમાવી ઘાતક હથિયાર બતાવી પોતાનું જ એક્ટિવા સળગાવ્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટના સૈયાજી હોટલ નજીક એક યુવતીએ અકસ્માત સર્જ્યો હતો, જે બાદ લોકોના ટોળા ત્યાં એકઠા થઇ ગયા હતા. જોકે અકસ્માત બાદ યુવતીએ લોકો સામે પોતાનો રોફ જમાવવા માટે પોતાના જ એક્ટિવાને આગ ચાંપી દીધી હતી અને પોતાની પાસે રહેલા ઘાતક હથિયાર વડે લોકોને ડરાવવાનો પણ પ્રયાસ કર્યો હતો.

એક્ટિવાને આગ લગાવી, લોકોએ વીડિયો બનાવ્યો
આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે જેમાં યુવતી લોકોને ઘાતક હથિયાર દેખાડી રોફ જમાવી રહી છે. ત્યાં જ ઘટના દરમિયાન હાજર લોકોના જણાવ્યા પ્રમાણે યુવતી નશામાં હોવાનું અનુમાન છે. યુવતીએ અકસ્માત સર્જ્યા બાદ તેણે પોતાના એક્ટિવાને આગ ચાંપી દીધી હતી પરંતુ તેને રોકવાનો કોઇએ પ્રયાસ કર્યો નહોતો. તેણે એક્ટિવાને આગ લગાવી ત્યારે લોકોએ તેનો વીડિયો બનાવી લીધો હતો અને બાદમાં પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરી આ ઘટના વિશે જાણકારી આપી હતી. જોકે આ ઘટના બાદ રાજકોટમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉદભવી રહ્યા છે.