1100 રૂપિયાના વધારા સાથે સોનાનો ભાવ 89,000 હજારે પહોંચ્યો, ચાંદીના ભાવમાં પણ વધારો

Gold-Silver Price: શેરબજારમાં ઘટાડા વચ્ચે સોનાના ભાવમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે. મંગળવારે સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ 1100 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. રાષ્ટ્રીય રાજધાનીમાં સોનું 89 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે પહોંચી ગયું છે.
મંગળવારે રાષ્ટ્રીય રાજધાનીના બુલિયન બજારમાં સોનાના ભાવ 1100 રૂપિયા વધીને 89,000 રૂપિયા થયા, જેનું કારણ ઝવેરીઓ અને સ્ટોકિસ્ટો દ્વારા ખરીદીમાં વધારો અને મજબૂત વૈશ્વિક વલણ હતું. ઓલ ઈન્ડિયા બુલિયન એસોસિએશને આ માહિતી આપી.
99.9 ટકા શુદ્ધતાવાળા સોનાનો ભાવ 1100 રૂપિયા વધીને 89,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે. તેનો અગાઉનો બંધ ભાવ 87,900 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો. 99.5 ટકા શુદ્ધતાવાળા સોનાનો ભાવ 1100 રૂપિયા વધીને 88,600 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે. તેનો અગાઉનો બંધ ભાવ 87,500 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો.
ચાંદીના ભાવમાં પણ વધારો
સોનાના ભાવમાં વધારાને કારણે ચાંદીના ભાવ 1,500 રૂપિયા વધીને 98,000 રૂપિયા પ્રતિ કિલો થયો છે. સોમવારે ચાંદીનો ભાવ 96,500 રૂપિયા પ્રતિ કિલો પર બંધ થયો હતો.
ટ્રમ્પના ટેરિફથી ભાવમાં વધારો
વેપારીઓના મતે મંગળવારથી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડા, મેક્સિકો અને ચીન પર ટેરિફની પુષ્ટિ કર્યા પછી સોના-ચાંદીના ભાવમાં વધારો થયો છે. ચીન અને કેનેડાએ પણ અમેરિકા સામે બદલો લેવાના પગલાની જાહેરાત કરી, જેનાથી ઉત્તર અમેરિકામાં વેપાર તણાવ વધ્યો છે.