December 23, 2024

સહકારી બેન્કોનું સારવાર ખોટકાતા કરોડોના નાણાકીય વ્યવહારો અટવાયા

ભાવેશ ભોજક, પાટણ: એક તરફ દેશ ડિજિટલ ક્રાંતિ તરફ આગળ વધી રહ્યો છે તો બીજી બાજુ ગુજરાત સહિત દેશના અનેક વિસ્તારોમાં કનેક્ટિવિટીની કમીને કારણે ડિજિટલ ભારતનું સપનું દૂર હોય તેમ લાગે છે. ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ બેંકના સોફ્ટવેરમાં ખામી સર્જાતા સમગ્ર પાટણ જિલ્લાની 7 સહકારી બેંકો અને ડિસ્ટ્રિક્ટ બેન્કોમાં 4 દિવસથી ટ્રાન્ઝેક્શન કરવામાં સમસ્યા આવી રહી છે. છેલ્લા 4 દિવસથી ટ્રાન્ઝેક્શનો ન થવાને કારણે કરોડો રૂપિયાના નાણાકીય વ્યવહારો અટવાયા છે જેને કારણે બેંકના ગ્રાહકોને ભારે હાલાકીઓ વેઠવી પડે છે.

ગુજરાત સ્ટેટ કો ઓપરેટિવ બેન્કના સોફ્ટવેરમાં ટેકનિકલ ખામી સર્જાતા સમગ્ર રાજ્યની સહકારી બેંકો, અર્બન કો-ઓપરેટીવ બેંકો અને ડિસ્ટ્રિક્ટ બેંકોના કરોડો રૂપિયાના વ્યવહારો છેલ્લા ચાર દિવસથી અટવાયા છે. પાટણ જિલ્લામાં પાટણ નાગરિક સહકારી બેંક, સરદાર પટેલ મર્કન્ટાઈલ બેંક, રણુજ નાગરિક, ચાણસ્મા નાગરિક, સર્વોદય સહકારી બેંક મળી સાત જેટલી સહકારી બેંકો તેમજ મહેસાણા ડિસ્ટ્રીકટ બેન્ક આવેલી છે. આ તમામ બેંકો ગુજરાત સ્ટેટ કો ઓપરેટિવ બેન્ક સાથે જોડાયેલી છે.

જીએસસી બેંકના સોફ્ટવેરમાં ટેકનિકલ ખામી સર્જાતા પાટણ જિલ્લાની સહકારી બેન્કોને પણ અસર થવા પામી છે. છેલ્લા ચાર દિવસથી આ તમામ બેન્કોમાં RTGS, NEFT, CTS, ACH જેવી ડિજિટલ સેવાઓ બંધ કરવામાં આવી છે. જેના કારણે બેંકના ગ્રાહકોને ભારે હાલાકીયો વેઠવી પડે છે. ટ્રાન્જેક્શનો ન થવાને કારણે વ્યાપારીઓના આર્થિક વ્યવહારો અટવાયા છે. છેલ્લા ચાર દિવસથી સહકારી બેંકોમાં ટ્રાન્જેક્શન ન થવાને કારણે પાટણ જિલ્લામાં કરોડો રૂપિયાના નાણાકીય વ્યવહારો અટવાયા છે.