December 23, 2024

એપ્રિલ મહિનામાં GST કલેક્શન રૂ. 2 લાખ કરોડને પાર, ગત વર્ષની સરખામણીમાં 12 ટકાનો વધારો

GST Collection: એપ્રિલમાં દેશનું ગ્રોસ GST કલેક્શન રૂ. 2.10 લાખ કરોડના રેકોર્ડ ઉચ્ચ સ્તરે પહોંચી ગયું છે. જે ગયા વર્ષના એપ્રિલ મહિના કરતાં 12.4 ટકા વધુ છે. સ્થાનિક વ્યવહારો અને આયાતમાં મજબૂત વૃદ્ધિને GST વસૂલાતમાં વધારાનું કારણ ગણાવાયું છે.

સ્થાનિક વ્યવહારો અને આયાતમાં મજબૂત વૃદ્ધિની અસર
નાણા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે GST કલેક્શન રૂ. 2 લાખ કરોડને પાર કરી ગયું છે. મંત્રાલયે કહ્યું, ‘એપ્રિલ 2024માં જીએસટી કલેક્શન 2.10 લાખ કરોડ રૂપિયાના રેકોર્ડ ઉચ્ચ સ્તરે પહોંચ્યું હતું. આ વાર્ષિક ધોરણે 12.4 ટકાની નોંધપાત્ર વૃદ્ધિ દર્શાવે છે, જે સ્થાનિક વ્યવહારોમાં મજબૂત વૃદ્ધિ (13.4 ટકાની વૃદ્ધિ) અને આયાત (8.3 ટકાની વૃદ્ધિ) દ્વારા સંચાલિત છે.’

એપ્રિલ 2023ની સરખામણીમાં 17 ટકાનો પ્રભાવશાળી વધારો
એપ્રિલ 2023માં GST કલેક્શન 1.87 લાખ કરોડ રૂપિયા હતું. રિફંડ પછી એપ્રિલ 2024માં નેટ GST કલેક્શન રૂ. 1.92 લાખ કરોડ થયું હતું, જે ગયા વર્ષના સમાન સમયગાળાની સરખામણીમાં 17.1 ટકાની પ્રભાવશાળી વૃદ્ધિ દર્શાવે છે. એપ્રિલમાં કેન્દ્રીય જીએસટી કલેક્શન રૂ. 43,846 કરોડ અને રાજ્યનું જીએસટી કલેક્શન રૂ. 53,538 કરોડ હતું. ઇન્ટિગ્રેટેડ GST રૂ. 99,623 કરોડ હતો, જેમાં આયાતી માલ પર રૂ. 37,826 કરોડનો સમાવેશ થાય છે. સેસ કલેક્શન રૂ. 13,260 કરોડ રહ્યું હતું, જેમાં આયાતી માલ પર એકત્ર કરાયેલ રૂ. 1,008 કરોડનો સમાવેશ થાય છે. માર્ચ 2024માં GST કલેક્શન 1.78 લાખ કરોડ રૂપિયા હતું. માર્ચ GST કલેક્શનમાં રિફંડ પછી GSTની ચોખ્ખી આવક રૂ. 1.65 લાખ કરોડ હતી, જે ગયા વર્ષના માર્ચ મહિનાની સરખામણીમાં 18 ટકા વધુ છે.