July 5, 2024

24 કલાકમાં 178 તાલુકામાં વરસાદ, સૌથી વધુ વરસાદ બનાસકાંઠાના લાખણીમાં

અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 178 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાંથી 55 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે સૌથી વધુ વરસાદ બનાસકાંઠાના લાખણીમાં 11 ઈંચ વરસ્યો છે.

આ ઉપરાંત મહેસાણા શહેરમાં 4 ઈંચ તો બેચરાજીમાં પણ 4 ઈંચ વરસાદ નોંધાયો છે. નવસારીના ચીખલીમાં 4 ઈંચ તો બનાસકાંઠાના દાંતીવાડામાં પણ 4 ઈંચ વરસાદ વરસ્યો છે. બનાસકાંઠાના વાવ અને સૂઈગામમાં 3 ઈંચ તો અરવલ્લીના મોડાસામાં પણ 3 ઈંચ વરસાદ વરસ્યો છે.

આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગની નવી આગાહી સામે આવી છે. રાજ્ય પર નવી સાયક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે. ત્યારે આગામી પાંચ દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે આગાહી કરતા જણાવ્યુ હતુ કે, ‘સુરત, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલીમાં અત્યંત ભારે વરસાદની શક્યતા છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.’

આ ઉપરાંત તેમણે જણાવ્યુ હતુ કે, ‘દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, ભરૂચ, ડાંગ, તાપી, સુરેન્દ્રનગર, જામનગર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે ગીર સોમનાથ, કચ્છ અને દીવમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.’