September 10, 2024

ગુજરાત ATSના દહેજમાં દરોડા, આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ; બેની ધરપકડ, 4 ફરાર

મિહિર સોની, અમદાવાદઃ ગુજરાત ATSએ ભરૂચના દહેજમાં રેડ પાડીને સારવાર માટે વપરાતું રો-મટિરિયલ કબજે કરી તેના આંતરરાષ્ટ્રીય નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. મહત્વનું છે કે, 3 અલગ અલગ ફેકટરીમાં તેનું પ્રોસેસિંગ કરીને તૈયાર ટેબ્લેટ બનાવી આફ્રિકન દેશમાં સપ્લાય થતું હોવાનો ખુલાસો કર્યો છે. આ સાથે જ બે લોકોની ધરપકડ કરીને આ રેકેટના માસ્ટર માઇન્ડ સહિત ચાર લોકો વોન્ટેડ છે.

ગુજરાત ATSએ પાંચ તારીખની મોડી સાંજે ભરૂચ દહેજમાં આવેલી અલાઈન્સ ફાર્મામાં રેડ કરીને કંપનીના ચીફ કેમિસ્ટ પંકજ રાજપૂતને ટ્રામાડોલ બનાવવાની પ્રક્રિયા કરતા ઝડપી પાડયો હતો. આ ટ્રામાડોલ બનાવવા માટે અન્ય પકડાયેલા આરોપી નિખિલ કપુરિયા પાસેથી પ્રવાહી રોમટિરિયલ મેળવ્યું હોવાથી તેની પણ ધરપકડ કરવામાં આવી છે. બંને આરોપીની ધરપકડ કરી અલાઈન્સ ફાર્મામાં તપાસ કરતાં 1410 લીટર ટ્રામાડોલ બનાવવાનું લિકવિડ મટિરિયલ સહિતની 31 કરોડથી વધુનું ડ્રગ કબજે કરી આ રેકેટના સિન્ડિકેટની તપાસ શરૂ કરતાં અંકલેશ્વર, અમદાવાદ અને છત્રાલની ફેકટરીનું કનેક્શન સામે આવતા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચોઃ ગુજરાત ATSના મુંબઈમાં દરોડા, 800 કરોડનું ડ્રગ્સ ઝડપ્યું

પકડાયેલા આરોપી પંકજ રાજપૂત અને નિખિલ કપુરિયાની ધરપકડ કરી છે. પૂછપરછ કરતા અમદાવાદના સરખેજમાં આવેલી શ્રીજી સાયન્ટીફિકના માલિક હર્ષદ કુકડિયાની સંડોવણી સામે આવી હતી. આ ફેકટરીમાં તૈયાર થતી ટ્રામાડોલ ટેબ્લેટના લિક્વિડના પ્રોસેસ માટે મોકલી આપતા હતા. સામાન્ય રીતે ટ્રામાડોલ ટેબ્લેટ 30થી50 પાવર રહેતી હતી. પરંતુ નશા માટે તૈયાર કરાયેલા ટ્રામાડોલ ટેબ્લેટ 250 એમજીની ટેબ્લેટ બનાવવામાં આવતી હતી. આ સાથે જ આરોપી હર્ષદની પૂછપરછ કરતા કેવલ ગોંડલિયા નામના મુખ્ય આરોપીની સંડોવણી સામે આવી છે અને વોન્ટેડ આરોપી કેવલ અને હર્ષિત પટેલની સૂચનાથી છત્રાલના ઘળોદ જીઆઇડીસીની ડીનાકોર ફાર્મા કંપનીમાં મોકલી આપતા હતા. આ કંપનીના માલિક આનંદ પટેલ અને અંકિત પટેલ અન્ય દવાની સાથે આ ટ્રામાડોલ ટેબ્લેટનું પેકિંગ કરીને સપ્લાય કરતા હોવાનો ખુલાસો થયો છે.

મહત્વનું છે કે, 28 જુલાઈના રોજ કસ્ટમ વિભાગ દ્વારા મુન્દ્રા પોર્ટ પરથી એક કન્સાઈન્ટમેન્ટ ઝડપ્યું હતું. તેમાં 110 કરોડની 68 લાખ ટ્રામાડોલ ટેબ્લેટનો ગેરકાયદેસર જથ્થો કબજે કરવામાં આવ્યો હતો. આ ટેબ્લેટ પશ્વિમ આફ્રિકાના દેશોમાં આવેલા સિયેરા લિઓન અને નાઈજર દેશમાં સપ્લાય થવાના હતા. જોકે, તે પહેલાં જ જથ્થો ઝડપાતા દવાની આડમાં ડ્રગ્સનો કારોબાર થતો હોવાનો ખુલાસો થયો છે. નોંધનીય છે કે, પકડાયેલા આરોપીના રિમાન્ડ મેળવી અને વોન્ટેડ મુખ્ય આરોપી કેવલ ગોંડલિયા, હર્ષિત પટેલ, આનંદ પટેલ અને અંકિત પટેલની શોધખોળ શરૂ કરી છે.