બોર્ડની પરીક્ષા માટે DEOનો નવતર પ્રયોગ, વિદ્યાર્થીઓને થશે મોટો ફાયદો
આશુતોષ ઉપાધ્યાય, અમદાવાદઃ આગામી ફેબ્રુઆરી માસમાં ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા યોજાનાર છે. ત્યારે વિદ્યાર્થી સારામાં સારા ટકાએ ઉત્તિર્ણ થાય તે માટે અમદાવાદ ગ્રામ્ય ડીઇઓ દ્વારા નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. પરીક્ષા પર્વની ગુરૂચાવી શરૂ કરવામાં આવ્યો છે. જેમાં બોર્ડની પરિક્ષામાં મહત્વપૂર્ણ વિષયોના 15 મિનિટના વીડિયો વિદ્યાર્થીઓને બતાવવામાં આવશે.
બોર્ડની પરીક્ષા નજીક આવતાં જ વિદ્યાર્થીઓ અવઢવ અનુભવતા હોય છે કે શું વાંચવું અને કેવી રીતે વાંચવું તેનો ઉપાય હવે અમદાવાદ ગ્રામ્ય DEO લઇને આવ્યા છે. અમદાવાદ ગ્રામ્ય DEO દ્વારા પરીક્ષા પર્વની ગુરુચાવી કાર્યક્રમ લોન્ચ કરવામાં આવ્યો હતો. જેમાં વિદ્યાર્થીઓને પરીક્ષા સુધીના પ્રત્યેક દિવસે 15 મિનિટનો વીડિયો દર્શાવવામાં આવશે. જેમાં વિદ્યાર્થીઓને મહત્વના વિષયોની ટીપ્સ મળશે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારની શાળાઓમાં શિક્ષકો નથી અને ટ્યુશનમાં જઈ શકે તેવી વ્યવસ્થા નથી, તેવા વિદ્યાર્થીઓ આ માધ્યમથી અભ્યાસ કરી શકશે.
આ સમગ્ર મામલે અમદાવાદ ગ્રામ્યના DEO કૃપાબેન ઝાએ જણાવ્યુ હતુ કે, પરીક્ષા નજીક આવી રહી છે ત્યારે તમામ વિષયોની તૈયારી કેવી રીતે કરવી તે અંગે સમગ્ર શહેરની ડીઇઓની અને શિક્ષકોની ટીમ દ્વારા આ વીડિયો તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં બોર્ડની પરીક્ષામાં જે દરવર્ષે પ્રશ્નો પૂછવામાં આવે છે તેને ધ્યાનમાં રાખીને આ વીડિયો તૈયાર કરવામાં આવ્યો છે. ધોરણ 10 અને 12માં મહત્વપૂર્ણ હોય તેવા ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, કેમેસ્ટ્રી, ફિઝિક્સ, બાયોલોજી, મેથ્સ, એકાઉન્ટ્સ, સ્ટેટેસ્ટિક્સ સહિતના વિષયોની માહિતી આપવામાં આવશે. 15 મિનિટના વીડિયોના અંતમાં વિદ્યાર્થીઓનું આત્મબળ વધે તે હેતુથી ગીતાનો શ્લોક કહેવામાં આવશે.
આ પ્રોજેક્ટ અંગે વિદ્યાર્થીઓએ જણાવ્યુ હતુ કે, આ પ્રોગ્રામથી અમારૂં ક્વિક રિવિઝન થશે અને જે પણ વિષયના ટોપિક હાર્ડ લાગતા હોય તે વીડિયોના માધ્યમથી સમજાવવામાં સરળતા રહેશે અને પરીક્ષાના સમયે ગભરાટ ન અનુભવતા ઉર્જા સાથે પરીક્ષા આપી શકીશું અને સારા માર્ક મેળવી શકીશું.