July 2, 2024

જંત્રીની A to Z માહિતી; કોણ નક્કી કરે છે અને ઓનલાઇન જોવા શું કરશો

gujarat government jantri bhav double know all details

ફાઇલ તસવીર

અમદાવાદઃ ગુજરાત સરકારે 12 વર્ષ પછી જમીનના જંત્રીનો ભાવ વધારીને લગભગ બમણો કરી નાંખ્યો છે. જેને લઈને ઘણો ઉહાપોહ જોવા મળ્યો છે. ત્યારે આ આર્ટિકલમાં અમે તમને જણાવીશું કે આ જંત્રી છે શું, કેવી રીતે નક્કી કરવામાં આવે છે, કોણ નક્કી કરે છે અને ઓનલાઇન રેકોર્ડ જોવા માટે શું કરવું જોઈએ…

જંત્રી એટલે શું?
જંત્રી એટલે જમીન કે કોઈ પ્રોપર્ટીના ખરીદ-વેચાણ માટે સરકાર દ્વારા નિર્ધારિત કરવામાં આવતો લઘુત્તમ ભાવ. જો તમારો વેચાણ દસ્તાવેજ જંત્રીદર કરતાં વધુ હશે તો જ સરકારી ચોપડે માલિક તરીકે તમારું નામ નોંધી શકાશે.

જંત્રી એક કાનૂની પુરાવો છે. તેનાથી ચોક્કસ સમયગાળામાં જમીન કે મિલકતનો ભાવ દર્શાવવામાં આવે છે. જંત્રીના ભાવથી દસ્તાવેજ કરતી વખતે કેટલી સ્ટેમ્પ ડ્યૂટી ચૂકવવી પડશે અને કેટલો રજિસ્ટ્રેશન ચાર્જ ચૂકવવો પડશે તે નક્કી કરવામાં મદદ મળે છે. જંત્રીને અલગ અલગ રીતે ઓળખવામાં આવે છે. ગુજરાતમાં આપણે જંત્રી કહીએ છીએ અને અન્ય રાજ્યમાં તેને ‘સર્કલ રેટ’ અથવા ‘રેડી રેકનર’ તરીકે પણ ઓળખવામાં આવે છે.

ગુજરાતમાં જંત્રીનો ભાવ કોણ નક્કી કરે છે?
ગુજરાતમાં જંત્રીનો ભાવ સરકાર દ્વારા નક્કી કરવામાં આવે છે. જમીન અને બજારની મિલકતના કિંમતને આધારે નિયમિત સમયે સરકાર સમીક્ષા કરે છે અને સમીક્ષા બાદ જંત્રીનો દર નક્કી કરવામાં આવે છે.

જંત્રીનો ભાવ કેવી રીતે નક્કી કરવામાં આવે છે?
જંત્રીનો ભાવ નક્કી કરવા માટે વિવિધ પરિબળોને ધ્યાને લેવામાં આવે છે. જેમાં જમીન-મિલકતનો પ્રકાર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને લોકાલિટીને આધારે રેટ નક્કી કરવામાં આવે છે. બજારની કિંમત પણ મહત્વની ભૂમિકા ભજવે છે.

પ્રોપર્ટીની માર્કેટ વેલ્યૂ જેટલી વધુ તેટલો જંત્રીનો ભાવ વધારે થશે. જે રેસિડેન્સિયલ સંપત્તિ હોય તો જંત્રી ઓછી લાગે છે. જ્યારે ધંધાકીય સંપત્તિ માટે જંત્રીનો ભાવ વધુ હોય છે. એટલે કે મકાન, પ્લોટ, ઓફિસ સ્પેસ અને ઔદ્યોગિક વસાહતના રેટ અલગ અલગ હોય છે. જો તેની આસપાસ કોમ્પલેક્સ, હોસ્પિટલ, સ્કૂલ, ગાર્ડન હોય તો જંત્રીનો ભાવ વધી જાય છે.

ગુજરાતમાં જંત્રીનો ઉપયોગ ક્યાં ક્યાં થાય?

  • બેંક પાસેથી જમીન માટે લોન મેળવવા માટે
  • ઉધાર લીધેલી ચોક્કસ લોનની ક્રેડિટ મર્યાદા વધારવા માટે પણ જંત્રીનો ભાવ ધ્યાને રાખવામાં આવે છે
  • કોન્ટ્રાક્ટર તરીકે નોંધણી કરવા માટે, વ્યક્તિએ જમીન મૂલ્ય પ્રમાણપત્રની જરૂર પડે છે
  • વિઝા માટે અરજી કરવા માટે જંત્રી ઉપયોગી દસ્તાવેજ છે
  • કેપિટલ ગેઇન ટેક્સની ગણતરીમાં ખૂબ જ ઉપયોગી, કેન્દ્ર સરકારનો આવકવેરો જંત્રી દર

ગુજરાતમાં કોઈપણ જગ્યાની જંત્રી કેવી રીતે ઓનલાઇન જોઈ શકાશે?
સૌથી પહેલા https://revenuedepartment.gujarat.gov.in/ પર લોગ ઇન કરો અને હોમ પેજ પર ખૂણામાં જંત્રી લખેલું હશે, તેના પર ક્લિક કરો. ત્યારબાદ તમારા જિલ્લાનું નામ નકશામાં પસંદ કરો. પછી તાલુકો, સર્વે નંબર, ગામ અને જમીનનો પ્રકાર લખો. ત્યારપછી ‘SHOW JANTRI’ પર જઈને ક્લિક કરશો એટલે તમને ભાવ બતાવશે.

ભૂપેન્દ્ર પટેલની સરકારે 12 વર્ષ બાદ જંત્રીનો ભાવ વધાર્યો
ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલની સરકારે રાજ્યના જંત્રીનો ભાવ વધારીને બમણો કરી નાંખવામાં આવ્યો છે. છેલ્લા 12 વર્ષથી ગુજરાતમાં જંત્રીનો ભાવ વધ્યો નહોતો. ત્યારે તેમાં ડબલ વધારો કર્યો છે.