July 2, 2024

PMJAY યોજના હેઠળ ખાનગી હોસ્પિટલોનું 300 કરોડનું પેમેન્ટ બાકી, સારવાર ન કરવાનો નિર્ણય

gujarat government pmjay scheme 300 crore payment pending private hospital dont do treatment

ફાઇલ તસવીર

અમદાવાદઃ સરકારી યોજના PMJAYને લઈ ખાનગી હોસ્પિટલો લડી લેવાના મૂડમાં છે. ખાનગી હોસ્પિટલોનું છેલ્લા બે વર્ષથી પેમેન્ટ બાકી હોવાથી સારવાર ન કરવાનો નિર્ણય લીધો છે. જેને લઈને હાલ ‘પાડાને વાંકે પખાલીને ડામ’ જેવો ઘાટ સર્જાયો છે. વાંક સરકારનો છે અને ભોગવવાનું પ્રજાને ભાગે આવ્યું છે.

મળતી માહિતી પ્રમાણે, PMJAY યોજનાને લઈને ખાનગી હોસ્પિટલનું કરોડો રૂપિયાનું બિલ સરકારે બાકી રાખ્યું છે. અંદાજે 300 કરોડ જેટલા રૂપિયાનું બિલ બાકી હોવાથી ખાનગી હોસ્પિટલોએ હવે આ યોજના હેઠળ સારવાર ન કરવાનો નિર્ણય લીધો છે. અત્યાર સુધીમાં સરકારે માત્ર 5-10 ટકા જેટલું પેમેન્ટ જ રિલિઝ કર્યું હોવાનું સામે આવ્યું છે.

ખાનગી હોસ્પિટલોએ 26 ફેબ્રુઆરીથી 29 ફેબ્રુઆરી સુધી PMJAY યોજના હેઠળ સારવાર ન કરવાનો નિર્ણય કર્યો છે. આ તારીખોમાં માત્ર સરકારી હોસ્પિટલોમાં જ આ યોજના હેઠળ સારવાર લઈ શકાશે. ખાનગી હોસ્પિટલોએ આ મામલે સરકાર વિરુદ્ધ નિર્ણય લીધો છે.

રાજ્યની 789 હોસ્પિટલનું બિલ બાકી
રાજ્યની 789 જેટલી ખાનગી હોસ્પિટલોને સરકારે પેમેન્ટ ચૂકવ્યું ન હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. તેને કારણે હવે ખાનગી હોસ્પિટલોએ PMJAY અંતર્ગત સારવાર બંધ કરવાનો નિર્ણય લીધો છે. પ્રાઇવેટ હોસ્પિટલ એસોસિએશન ઓફ ગુજરાતે આ નિર્ણય લીધો છે.

PMJAY શું છે?
પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અથવા પીએમજેએવાય એ આયુષ્માન ભારત યોજનાનો બીજો તબક્કો છે. પીએમજેએવાય વિશ્વભરમાં સૌથી મોટી હેલ્થ ઇન્શ્યોરન્સ યોજનાઓમાંની એક છે. તે ડાયગ્નોસ્ટિક્સ ટેસ્ટ, પ્રિ-હોસ્પિટલાઇઝેશન ખર્ચ અને તબીબી સારવારના ખર્ચ માટે કવરેજ સાથે પ્રતિ વર્ષ કુટુંબ દીઠ 5 લાખ રૂપિયાનું કવર પૂરું પાડે છે. આ ઉપરાંત કૅશલેસ હેલ્થ ઇન્શ્યોરન્સની સુવિધા તેમ જ પેપરલેસ સુવિધા પણ પીએમજેએવાય હેઠળ ઉપલબ્ધ છે.

PMJAY યોજના હેઠળ શું લાભ મળે છે?
પીએમજેએવાય યોજના હૉસ્પિટલાઇઝેશન પહેલાના 3 દિવસ સુધી અને હૉસ્પિટલાઇઝેશન પછીના 15 દિવસ સુધીના ખર્ચને આવરી લે છે, જેમાં નિદાન અને દવાઓનો ખર્ચ સામેલ છે. કુટુંબના સભ્યોની સંખ્યા, ઉંમર અથવા જાતિ (સ્ત્રી/પુ.) આધારિત કોઈ પ્રતિબંધ નથી. પ્રથમ દિવસથી જ પહેલેથી હોય તેવા કોઈપણ રોગો માટે કવરેજ છે. ડે-કેર ખર્ચને પણ આવરી લેવામાં આવે છે. સ્કીમ હેઠળ નોંધાયેલા લોકો માટે પેપરલેસ સુવિધા સાથે કૅશલેસ હેલ્થ ઇન્શ્યોરન્સ ઉપલબ્ધ છે. PMJAY હેઠળની સુવિધાઓનો લાભ સમગ્ર દેશમાં ઉપલબ્ધ છે.