March 10, 2025

સરકારે સીધું એડમિશન લેનારા વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ બંધ કરી, કોલેજોએ લીધો આ મોટો નિર્ણય

અમદાવાદઃ રાજ્ય સરકારે પ્રોફેશનલ કોર્ષમાં કોલેજમાંથી સીધું એડમિશન લેનારા વિદ્યાર્થીઓની શિષ્યવૃતિ બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય વચ્ચે રાજ્યમાં અનેક કોલેજના અસ્તિત્વ સામે સવાલ ઉભા થયા છે. જે કોલેજમાં પસંદગી સમિતિના માધ્યમથી 75 ટકાના રેશિયો મુજબ જગ્યાઓ ભરપાઈ થતી ન હતી. તે કોલેજ અત્યાર સુધી પોતાની રીતે અનુસૂચિત જાતિ અને જનજાતિના વિધાર્થીઓને પ્રવેશ આપતી હતી. જો કે, હવે સરકારે આ પ્રકારે પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓની શિષ્યવૃતિ બંધ કરવાનો નિર્ણય લીધો છે. જેને લઈને હવે પ્રોફેશનલ કોર્ષ ચલાવતી કોલેજો પણ ખાલી રહેતી જગ્યાઓ ન ભરવાના મૂડમાં છે. જો કે, આ ચક્કરમાં સૌથી વધુ હેરાનગતિ એવા વિધાર્થીઓને થશે કે મેનેજમેન્ટ ક્વોટા સિવાય ખાલી જગ્યા હશે તો પણ વિધાર્થીઓ આર્થિક સ્થિતિ સારી નહીં હોય તો અભ્યાસ નહીં કરી શકે.

પ્રોફેશનલ કોર્ષ એટલે કે નર્સિંગ, ફાર્મસી, એન્જિનિયરીંગ અને મેડિકલ જેવા અભ્યાસક્રમમાં પ્રવેશ પક્રિયા માટે બે પદ્ધતિ અમલમાં છે. કોલેજમાં કુલ બેઠકના 75 ટકા બેઠક પસંદગી સમિતિના માધ્યમથી અને 25 ટકા બેઠક મેનેજમેન્ટ ક્વોટા માધ્યમથી ભરવામાં આવે છે. ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતમાં અંતરિયાળ અને નાના ગ્રામ્ય વિસ્તારની કોલેજ મળી કુલ આવી 150 કરતાં વધુ કોલેજ કાર્યરત છે. જો કે, દર વર્ષે પસંદગી સમિતિના પ્રવેશ બાદ પણ આ પૈકીની માત્ર 8 કે 10 કોલેજને જ કુલ બેઠકની 75 ટકા મુજબ પુરી સંખ્યા ઉપલબ્ધ થતી હતી.

ગ્રામ્ય વિસ્તાર અને અંતરિયાળ વિસ્તારની કોલેજોમાં પસંદગી સમિતિના 75 ટકાના નિયમ બાદ પણ મોટાભાગની જગ્યાઓ ખાલી રહેતી હતી. આવી કોલેજમાં મેનેજમેન્ટ ક્વોટા લગભગ ખાલી રહેતો હતો. સરકારની પસંદગી સમિતિના રેશિયો મુજબ 75 ટકામાં ખાલી રહેતી બેઠકમાં એડમિશન લેનારી અનુચિત જાતિ અને જનજાતિના વિધાર્થીઓને શિષ્યવૃતિ મળતી હતી. જો કે, તાજેતરમાં સરકાર દ્વારા મેનેજમેન્ટ ક્વોટા સિવાય ખાલી રહેતી 75 ટકા બેઠકમાં પણ પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓની શિષ્યવૃતિ બંધ કરી દેવામાં આવી છે.

સરકારના આ નિર્ણયની સૌથી મોટી અસર અંતરિયાળ અને ગ્રામ્ય વિસ્તારની કોલેજને થઈ છે. આ કોલજને અગાઉથી જ નિયમ મુજબ વિદ્યાર્થી મળતા ન હતા. ત્યારે હવે ખાલી રહેતો બેઠકમાં પણ કોઈ વિદ્યાર્થી શિષ્યવૃતિ નહીં મળતા પ્રવેશ લેવા તૈયાર ન થાય તેવો ઘાટ ઘડાયો છે. બીજી તરફ જે કોલેજ શહેરી વિસ્તારમાં છે અને જેમને સંખ્યા મળે છે. તેવી કોલેજોએ હવે ખાલી રહેતી બેઠક એટલે કે મેનેજમેન્ટ ક્વોટા સિવાયની 75 ટકા પૈકીની બેઠકમાં એડમિશન નહીં આપવાનો નિર્ણય લીધો છે.

આ સ્થિતિમાં સૌથી વધુ અસર એવા વિધાર્થીઓને થશે કે જે જગ્યાઓ ખાલી હોવા છતાં આર્થિક સ્થિતિ સારી નહીં હોય તો પ્રવેશ નહીં લઈ શકે. આ સ્થિતિમાં નર્સિંગ કોલેજના સંચાલકો તો આ નિયમમાં બદલાવ માટે ગુજરાત હાઇકોર્ટ પહોંચ્યા છે. તો બાકીની અન્ય કોલેજોએ પણ જેટલી બેઠક પસંદગી સમિતિથી ભરાય તેટલી જ બેઠક ઉપર પ્રવેશ આપવાનો નિર્ણય લીધો છે. આ બાબતે કોલેજ સંચાલકોનું કહેવું છે કે, વિધાર્થીઓને ખાલી બેઠક ઉપર પ્રવેશ આપવાની જવાબદારી સરકારની છે. જો કે હાલમાં આ નિર્ણયને લઈને સૌથી વધુ અસર એવા વિધાર્થીઓને થઈ છે જેમણે ગત વર્ષે ખાલી બેઠક ઉપર પ્રવેશ મેળવ્યો હતો. આવા વિધાર્થીઓને આ વર્ષથી શિષ્યવૃતિ નહીં મળે જેના કારણે આર્થિક સ્થિતિ નબળી હોય તેવા વિધાર્થીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.