November 23, 2024

આગામી 24 કલાક કમોસમી વરસાદની હવામાન વિભાગની આગાહી

gujarat havaman update weather report unseasonal rain next 24 hours

બનાસકાંઠામાં કમોસમી વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે.

અમદાવાદઃ રાજ્યમાં કમોસમી વરસાદનું સંકટ યથાવત છે. ત્યારે હવામાન વિભાગે આગામી 24 કલાક સુધી વરસાદની આગાહી કરી છે. ઉલ્લેખનીય છે કે, આજે પણ ગુજરાતના ઘણાં વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો છે. આ અંગે હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યુ હતુ કે, રાજ્યમાં કમોસમી વરસાદનું સંકટ યથાવત્ છે. ત્યારે આગામી 24 કલાક સુધી વરસાદની આગાહી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે.

ત્યારે રાજ્યમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદની આગાહી કરી છે. ત્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત છોટા ઉદેપુર, ભરૂચ, વડોદરા, આણંદ, ખેડા અને દાહોદમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિવાય ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણામાં આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, ભાવનગર અને કચ્છમાં પણ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.

આવતીકાલથી તાપમાનમાં ફેરફાર થશે. લઘુત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થશે. એકસાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય થતા ભારે પવનો ફૂંકાશે. રાજ્યમાં પવનનો ગતિ 30થી 40 કિમી પ્રતિ કલાકની રહે છે. આગામી 48 કલાક માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે.

બનાસકાંઠામાં કમોસમી વરસાદ
ધાનેરા શહેરમાં એક ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. ત્યારે સમગ્ર શહેરમાં ઠેર-ઠેર નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. ધાનેરાની મુખ્ય બજારોમાં પાણી ભરાઈ જતા વેપારીઓને વાહનચાલકો મુશ્કેલીમાં મૂકાયા છે. ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગની આગાહીને લઈને બનાસકાંઠામાં વહેલી સવારથી વરસાદ પડી રહ્યો છે. ત્યારે વડગામ તાલુકાના મેમદપુરા ગામે વીજળી પડવાની ઘટના બની હતી. તેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. ત્યારે આ દુર્ઘટનામાં 30 વર્ષીય યુવક મોગાજી ઠાકોરનું મોત નીપજ્યું છે.