November 22, 2024

રાજ્યમાં સૌથી વધુ વરસાદ કચ્છ ઝોનમાં 154 ટકા, ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો 86 ટકા

ગાંધીનગરઃ રાજ્યમાં આ વર્ષે સૌથી વધુ વરસાદ કચ્છ ઝોનમાં ખાબક્યો છે. કચ્છ ઝોનમાં 154 ટકાથી વધુ વરસાદ પડ્યો છે. ઉત્તર ગુજરાતમાં જ 100 ટકાથી ઓછો વરસાદ વરસ્યો છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં સરેરાશ 86 ટકા વરસાદ નોંધાયો છે.

સૌરાષ્ટ્રમાં 123 ટકા સરેરાશ વરસાદ થઈ ગયો છે. દક્ષિણ ગુજરાતમાં 110 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે. જ્યારે મધ્ય ઝોનમાં 104 ટકા વરસાદ સરેરાશ નોંધાયો છે.

આ પણ વાંચોઃ ડિપ ડિપ્રેશનને કારણે સમુદ્ર તોફાની બનશે, ઉત્તર ગુજરાતને ધમરોળશેઃ અંબાલાલ

રાજ્યમાં ડેમની પરિસ્થિતિ અંગે વાત કરવામાં આવે તો, 105 ડેમ 100 ટકા ભરાયા છે. 44 ડેમ 70થી 100 ટકા વચ્ચે ભરાયા છે. 50થી 70 ટકા સુધી ભરાયેલા 21 ડેમ છે. જ્યારે 25 ટકાથી નીચે ભરાયેલા કુલ 14 ડેમ છે. આ ઉપરાંત રાજ્યમાં 124 ડેમ હાઇએલર્ટ પર મૂક્યાં છે. એલર્ટ પર 17 ડેમો જોવા મળ્યા છે. જ્યારે 8 ડેમ વોર્નિંગ પર છે.

રાજ્યમાં ભારે વરસાદને કારણે 19 જિલ્લામાં કુલ 3641 લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. જ્યારે વડોદરામાં સૌથી વધુ 1403 લોકોને બચાવવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ કચ્છમાં ડિપ ડિપ્રેશનની અસર, ગઈકાલ રાતથી ભારે પવન સાથે વરસાદ

બીજી તરફ, ગઈકાલે 4 લોકોનાં મોત નીપજ્યા છે. જામનગરના ધ્રોલ તાલુકાના લતીપુર ગામે એક વ્યક્તિનું વરસાદી પાણીમાં તણાવાથી મોત નીપજ્યું છે. તો અમદાવાદના મણિનગર અંડરપાસમાં એક વ્યક્તિનું ડૂબી જવાથી મોત થયું છે. પંચમહાલના હાલોલ તાલુકાના વાંકડિયા ગામે એક વ્યક્તિનું તણાવવાથી મોત નીપજ્યું છે. તો અમદાવાદના ધોળકા તાલુકાના વટામણ ગામે તળાવમાં ડૂબવાના કારણે એક વ્યક્તિનું મોત થયું છે.