ગુજરાત હાઇકોર્ટમાં આજે જુદા જુદા ચાર કેસોમાં સુનાવણી, આમિરના પુત્રને મળી રાહત
જયેશ ચૌહાણ, અમદાવાદ: આજે ગુજરાત હાઇકોર્ટમાં આમિર ખાનના પુત્ર જુનૈદની પહેલી ફિલ્મની સાથે સાથે જુદા જુદા ચાર કેસોને લઈને સુનાવણી કરવામાં આવી જેમાં સાબરમતી નદીના પ્રદૂષણ મુદ્દે કોર્ટે લીધેલી સુઓમોટો અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી. તો બીજી બાજુ, પૂર્વ ક્રિકેટર અને TMC સાંસદ યુસુફ પઠાણની વિવાદાસ્પદ જમીનની અરજીને લઈને પણ સુનાવણી કરવામાં આવી હતી. વધુમાં, કચ્છના નાવિનાર ગામની ગૌચરની જમીન સરકાર દ્વારા અન્ય હેતુ માટે આપવા મામલે કરાયેલ અરજીને લઈને પણ સુનાવણી કરવામાં આવી હતી. જેમાં હાઇકોર્ટ દ્વારા મહત્વના ચુકાદા આપવામાં આવ્યા.
મહારાજ ફિલ્મ પરનો સ્ટે હટાવાયો
આમિર ખાનના પુત્ર જુનૈદની લોન્ચિંગ મૂવી મહારાજ ફિલ્મ પર ગુજરાત હાઇકોર્ટે લગાવેલો સ્ટે હટાવી દેવામાં આવ્યો છે. ફિલ્મ જોયા બાદ આજે સુનાવણી કરવામાં આવી હતી જેમાં હાઇકોર્ટે નોંધ્યું હતું કે ફિલ્મમાં કંઈ પણ વિવાદિત નથી. ફિલ્મમાં કોઈ સંપ્રદાયની લાગણીઓને ઠેસ પહોંચે એવા કોઈ દ્રશ્યો કે ડાયલોગ નથી. જેને લઈને ફિલ્મ પરનો સ્ટે હટાવવામાં આવ્યો છે.
હાઇકોર્ટ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો ઉધડો લીધો
સાબરમતી નદીના પ્રદૂષણ મુદ્દે કોર્ટે લીધેલી સુઓમોટો અરજી પર સુનાવણી કરતાં હાઇકોર્ટ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો ઉધડો લીધો છે. સુનાવણી દરમિયાન હાઇકોર્ટે નોંધ્યું હતું કે સમય આપ્યા બાદ પણ કોર્પોરેશને કોઈ યોગ્ય કામ નથી કર્યું. તો, કોર્પોરેશન હાઇકોર્ટના હુકમની અવહેલના કરી રહ્યું હોવાનું પણ જોરતે નોંધ્યું હતું. વારંવાર સમય અપાયા બાદ પણ કાર્યવાહી થઈ નથી તેવું પણ નોંધ્યું. હાઇકોર્ટે ટકોર કરતાં કહ્યું હતું કે રોજે રોજ નદીમાં પ્રદૂષિત પાણી જાય છે તેમ છતાં કોર્પોરેશન પ્રશાંત કરી રહ્યું નથી તેવી સ્થિતિ દેખાય છે. તમે એવી વાત કરો છો કે પોતાનું ઘર ચલાવવા માટે તમે બહારના એવા વ્યક્તિની મદદ લઈ રહ્યા છો કે જે ત્યાં છે જ નહીં. તો સાથે સાથે, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની મદદ લેવાઈ રહ્યું હોવાના કોર્પોરેશનના નિવેદન પર હાઇકોર્ટે ટકોર કરી હતી. અને અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર નો અપ્રોચ યોગ્ય નહીં હોવાનું પણ નોંધ્યું હતું. તો વધુમાં, AMC કમિશનર પર કોર્ટે ભારોભાર નારાજગી વ્યક્ત કરતાં કહ્યું હતું કે તમે તમારું કામ ઠીક છે એવી રીતે કરો એ માટે અદાલતે આટલા પ્રયત્નો કરવા પડે છે. તમે તમારી ફરજ નથી નિભાવી એ દેખાઇ આવે છે.
પૂર્વ ક્રિકેટર યુસૂફ પઠાણની અરજી પર સુનાવણી
પૂર્વ ક્રિકેટર અને TMC સાંસદ યુસુફ પઠાણની હાઇકોર્ટમાં અરજી મામલે સુનાવણી કરવામાં આવી જેમાં યુસૂફ પઠાણના વકીલે રજૂઆત કરતાં કહ્યું હતું કે યુસુફ પઠાણ ક્રિકેટર છે અને તેમની સુરક્ષાની પણ ચિંતા કરવી પડે. જેના પર હાઇકોર્ટે સૂચન કરતાં કહ્યું હતું કે તમને સુરક્ષાની ચિંતા હોય તો Y, Z સિક્યુરિટી માટે રજૂઆત કરો. વધુમાં વકીલે રજૂઆત કરી હતી કે 3 માર્ચ 2012ના અમે કોર્પોરેશનને પત્ર લખી પ્લોટની જે કંઈ પણ માર્કેટ કિંમત છે તે ચૂકવવાની તૈયારી દર્શાવી હતી. કોર્પોરેશનની જનરલ બોડીમાં પ્લોટની કિંમત 5.20 કરોડ નક્કી પણ કરવામાં આવી હતી. સ્ટેન્ડિંગ કમિટી અને જનરલ બોર્ડમાં બજાર કિંમત પર પ્લોટ આપવા નક્કી પણ થયું હતું. થોડા સમય બાદ જનરલ બોડી કહે છે કે રાજ્ય સરકારે દરખાસ્ત નામંજૂર કરી છે. કોર્પોરેશનના મતે 7/06/2014 ના રાજ્ય સરકારે અમારી પ્લોટ આપવાની દરખાસ્ત મંજૂર કરી હતી. રાજ્ય સરકારે કરેલા લેખિત ઓર્ડરની જાણ અમને હાલ સુધીમાં કરવામાં આવી નહોતી. કોર્પોરેશનનો પ્લોટ છે, બોડીથી લઈ કમિશનર સુધીના લોકોએ નિર્ણય કર્યો હતો. આ મામલે વધુ સુનાવણી સોમવારે હાથ ધરાશે.
કચ્છની ગોચર જમીનને લઈને વિવાદ પર સુનાવણી
કચ્છના નાવિનાર ગામની ગૌચરની જમીન સરકાર દ્વારા અન્ય હેતુ માટે આપવા મામલે હાઇકોર્ટમાં કરાયેલ અરજી પર સુનાવણી કરવામાં આવી હતી. જેમાં, ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકાર અને કચ્છ કલેકટરના નિર્ણય પર આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. હાઇકોર્ટે કહ્યું હતું કે ગૌચરની જમીન તમે કેવી રીતે અન્ય હેતુ માટે આપી શકો, ગૌચરની જમીન આપો તો સામે વૈકલ્પિક ગૌચરની જમીન હોવી જોઈએ. કલેકટર દ્વારા આ જે કંઈ પણ કરવામાં આવ્યું છે તે ગેરકાયદેસર છે. તો, રાજ્ય સરકારે 6-7 કિમી દૂર વૈકલ્પિક ગૌચરની જમીન આપવાનું કહેતા હાઈકોર્ટે ઝાટકણી કાઢી હતી. હાઇકોર્ટે સવાલ કર્યો હતો કે ચરવાહાઓ ચાલીને 6-7 કિમી પશુઓને લઈને ત્યાં જશે? કચ્છ જેવા વિસ્તારમાં તમે આ પ્રકારનો વિચાર કેવી રીતે કરી શકો? અમારે એન્શ્યોરન્સ નહીં, એક્શન જોઈએ છે. તો, કલેકટરે એફિડેવિટમાં ગામમાં ગૌચરની જમીન ન હોવાથી જમીન એલોટ ન થઈ શકે તેવું કહેતા કોર્ટે નારાજગી દર્શાવતા કહ્યું હતું કે તમે એવું ન કહી શકો કે તમારી પાસે ગૌચરની જમીન એલોટ કરવા જમીન નથી. જ્યારે પણ ગૌચર લેન્ડ એલોટ કરો છો ત્યારે ધ્યાનમાં રાખવું જોઈએ કે ગૌચર માટે વૈકલ્પિક જમીન છે કે નહિ. વધુમાં, રાજ્ય સરકાર વતી વકીલે સમય માંગતા હાઈકોર્ટે 2 સપ્તાહનો સમય આપતા કહ્યું હતું કે અમે છેલ્લી તક આપીએ છીએ, રેવન્યુ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી અને કચ્છ કલેકટર 2 સપ્તાહમાં અલગ અલગ સોગંદનામુ કરે. 2 સપ્તાહ બાદ વધુ સુનાવણી હાથ ધરાશે. મુંદ્રા તાલુકામાં મુંદ્રા પોર્ટ અને SEZ માટે ગામની ગૌચરની જમીન લઇને તેમને આપવામાં આવેલી વૈકલ્પિક જમીન સામે કરાઈ રિટ કરવામાં આવી છે.