September 19, 2024

ગુજરાતમાં દારૂ પી ને વાહન ચલાવનાર અકસ્માત કરે તો વીમા કંપની વસુલી કરી શકે: ગુજરાત હાઇકોર્ટ

જયેશ ચૌહાણ, અમદાવાદ: ગાંધીના ગુજરાતમાં આમ તો દારૂબંધી છે. પરંતુ, તેમ છતા પણ છેવાડાના ગામડાઓથી લઇ મહાનગરોમાં આરામથી દારૂ મળી રહ્યો છે તેવા સંજોગોમાં કેટલાય લોકો વિરુદ્ધ પોલીસ મોટી સંખ્યામાં ડ્રિંક એન્ડ ડ્રાઇવના કેસો નોંધતી હોય છે. મોટા ભાગના અકસ્માતોના કિસ્સાઓમાં વાહન ચાલક નશામાં અકસ્માત સર્જતો હોય છે ત્યારે ગુજરાત હાઇકોર્ટે દારૂ પી ને વાહનચાલકે કરેલા અકસ્માતના કેસમાં દુરોગામી અસરવાળો ચુકાદો સંભળાવ્યો છે. ગુજરાત હાઇકોર્ટે સુનાવણી દરમિયાન અવલોકન કરતા કહ્યું કે ગુજરાતમાં દારૂબંધી છે એવામાં નશાની હાલતમાં વાહનચાલકે કરેલા અકસ્માતમાં વળતરના ચુકવણા માટે ઇન્સ્યોરન્સ કંપની નહીં પરંતુ ખુદ વાહનચાલક જ જવાબદાર છે

બનાસકાંઠાની ઘટનામાં દુરોગામી અસરવાળો ચુકાદો
વર્ષ 2016માં પાલનપુર તરફ ચેહર માતા મંદિર નજીક બપોરે 1 વાગ્યા આસપાસ સ્વિફ્ટ કારનો રોંગ સાઇડમાં આવી રહેલા બોલેરો સાથે અકસ્માત સર્જાયો હતો જેમાં સ્વિફ્ટ કારમાં સવાર લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને પોલીસની આગળની તપાસમાં એ વાત સામે આવી હતી કે બોલેરો ગાડી બેદરકારીપૂર્વક રોંગ સાઇડમાં આવી રહીં હતી અને અકસ્માત સમયે ડ્રાઇવર દારૂના નશામાં હતો

ટ્રિબ્યુનલમાં દાવો દાખલ કરાયો
અકસ્માત બાદ સ્વિફ્ટ કારમાં સવાર ઘાયલો દ્વારા પાલનપુર ટ્રિબ્યુનલમાં વળતર માટે દાવો કરવામાં આવ્યો હતો જેમાં ટ્રિબ્યુનલ દ્વારા બોલેરો ગાડી અને બોલેરોની ઇન્સ્યોરન્સ કંપનીને નોટિસ ઇશ્યૂ કરવામાં આવી હતી જેમાં તમામ પક્ષકારોને સાંભળ્યા બાદ ચુકાદો આપતા બોલેરો ગાડીની વીમા કંપનીને વળતર ચૂકવવા આદેશ કરવામાં આવ્યો હતો.

વીમા કંપનીએ ટ્રિબ્યુનલના દાવાને હાઇકોર્ટમાં પડકાર્યો
પાલનપુર ટ્રિબ્યુનલના ચુકાદાની સામે વીમા કંપની દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. હાઇકોર્ટમાં ઇન્સ્યોરન્સ કંપની વતી એડવોકેટ રથીન રાવલે દલીલ રજૂ કરતા ટાંક્યુ હતુ કે ગુજરાતમાં દારૂબંધી છે અને અકસ્માત સમયે બોલેરો ગાડીનો ડ્રાઇવર નશાની હાલતમાં હતો જે પોલીસ તપાસ અને FSL રિપોર્ટમાં પણ સાબિત થયુ છે આવા સંજોગોમાં વીમાં કંપની વળતર ચૂકવવા માટે જવાબદાર રહેતી નથી. દારૂ પીધેલો હોવાથી બોલેરો કારના ચાલક અને તેના માલિકની વળતર ચૂકવવાની જવાબદારી બને છે.

દારૂબંધીવાળા રાજ્યમાં 30 MG દારૂ પણ ગેરકાયદેસર
ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી દરમિયાન સામે પક્ષ તરફથી એ દલીલ પણ કરવામાં આવી હતી કે નિયમ મુજબ 30 MG સુધીના દારૂના પ્રમાણની વાહન ચલાવતી વખતે છૂટછાટ આપવામાં આવી છે અને બોલેરો ગાડીના ડ્રાઇવરના લોહીમાં 30 MG આલ્કોહોલ જ મળ્યુ છે. એ સમયે વીમા કંપનીના વકીલ દ્વારા દલીલ રજૂ કરાઇ હતી કે ગુજરાત ડ્રાઇ સ્ટેટ છે. ગુજરાતમાં દારૂબંધી હોવાથી આ નિયમ લાગુ પડતો નથી. દારૂબંધી હોવાથી આલ્કોહોલનું થોડુ પ્રમાણ મળે તો પણ ગુજરાતમાં તે કાયદેસર નથી જે દલીલને ગુજરાત હાઇકોર્ટે પણ મંજૂર રાખી હતી.

ગુજરાત હાઇકોર્ટનો મહત્વના અવલોકન સાથે ચુકાદો
ગુજરાત હાઇકોર્ટે તમામ પક્ષોની દલીલો સાંભળ્યા બાદ મહત્વનું અવલોકન કરતા ચુકાદો સંભળાવ્યો હતો કે ગુજરાતમાં દારૂબંધી હોવાથી થોડી માત્રામાં પણ દારૂ પી ને વાહન ચલાવી શકાય નહીં. નશાની હાલતમાં વાહનચાલક અકસ્માત સર્જે તો વળતર ચુકવવા માટે ઇન્શ્યોરન્સ કંપની જ વળતર ચૂકવવા માટે જવાબદાર નથી પણ જો ઇન્શ્યોરન્સ કંપની ઇચ્છે તો તેમણે ચુકવેલુ વળતર ગાડીના ડ્રાઇવર અને માલિક પાસેથી વસુલવા માટે દાવો કરી શકે છે. ગુજરાત હાઇકોર્ટનો આ મહત્વના ચુકાદાને દુરોગામી અસરવાળો માનવામાં આવી રહ્યો છે.