January 8, 2025

ગુજરાતમાં પહેલો HMP વાયરસનો કેસ; બાળક હવે સ્વસ્થ, રજા અપાશે

અરવલ્લીઃ ઓરેન્જ હોસ્પિટલમાં પહેલો HMP વાયરસનો કેસ સામે આવ્યો છે. આ અંગે ઓરેન્જ હોસ્પિટલના ડોક્ટર કહે છે કે, ‘બાળક મૂળ ડુંગરપુરનું છે. થોડા સમયથી મોડાસાની હોસ્પિટલમાં દાખલ હતું. હાલ ચાંદખેડાની ઓરેન્જ હોસ્પિટલમાં દાખલ છે. ઓરેન્જ હોસ્પિટલમાં બાળકની સારવાર ચાલી રહી છે. મેટાનિમો વાયરસ પોઝીટીવ છે પણ તે ચાઇના જેવો વેરિયન્ટ છે કે તેની તપાસ કરવી પડે.’

આ મામલે ઓરેન્જ હોસ્પિટલના તબીબ કહે છે કે, ‘મેટાનિમો વાયરસ હ્યુમન વાયરસ છે. બાળક હવે સ્વસ્થ છે. તેને રજા આપવામાં આવશે. આ વાયરસ જૂનો છે લોકોએ ચિંતા કરવાની જરૂર નથી. ચીનના વાયરસ સાથે સરખામણી કરવી યોગ્ય નથી. આ અંગે આરોગ્ય વિભાગને અમે જાણ કરી છે. આગળના રિપોર્ટ કરાવ્યા બાદ જ માલૂમ પડશે.’

આ પણ વાંચોઃ વાયરસની ઇન્ટેન્સિટીને આધારે ગાઇડલાઇન જાહેર કરવામાં આવશેઃ ઋષિકેશ પટેલ

ભાજપના મંત્રી ઋષિકેશ પટેલે આ અંગે વડોદરાની સયાજી હોસ્પિટલમાંથી આ અંગે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યુ છે કે, ‘ગુજરાતમાં HMP વાયરસનો પહેલો કેસ નોંધાયો છે. 2 માસની બાળકીમાં આ વાયરસ ડિટેક્ટ થયો છે. આ ચિંતા કરવાનો કેસ નથી. વાયરસની ઇન્ટેસિટી કેટલી છે, તેના આધારે ફોરેન ટૂરિસ્ટ માટેની ગાઈડલાઈન નક્કી કરવામાં આવશે. કેન્દ્ર સરકાર રાજ્ય સરકારને ગાઇડ લાઇન આપશે એ પ્રકારે કામગીરી થશે. રાજ્ય સરકારે ટેસ્ટિંગ માટેની કીટ ખરીદવા માટેની મંજૂરી આપી દીધી છે.

આગળ જણાવતા ઋષિકેશ પટેલ કહે છે કે, ‘શરદી, તાવ, ઉધરસ, ગળામાં દુખાવો થવો તેવા લક્ષણો આ વાયરસમાં છે. જે લક્ષણ હોય તેની દવા થાય એ જ SOP છે. આ વાયરસને લઈ કોઈ ખાસ દવા નથી.’