November 19, 2024

ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયામાં અનેકવાર ધરા ધ્રુજી, જાણો કારણ

ગાંધીનગરઃ છેલ્લા એક અઠવાડિયામાં અનેકવાર ગુજરાતની ધરા ધ્રુજી છે. વારંવાર ભૂકંપના આંચકા આવી રહ્યા છે. ત્યારે સિસ્મોલોજી વિભાગના ડાયરેક્ટર જનરલ સાથે આ મામલે ન્યૂઝ કેપિટલે ખાસ વાતચીત કરી હતી અને કારણ જાણ્યું હતું.

સિસ્મોલોજી વિભાગના ડાયરેક્ટર આ મામલે કહે છે કે, ‘ગુજરાત ક્ષેત્રે ત્રણ રીફટનું જંકશન છે. જેમાં કચ્છ રીફટ, નર્મદા રીફટ અને કેમ્બે રીફટનો સમાવેશ થાય છે. આ ત્રણેય રીફટમાં કચ્છ રીફટ ભૂકંપની દ્રષ્ટિએ ખૂબ એક્ટિવ છે. જેમાં બીજા નંબર પર નર્મદા અને ત્રીજા નંબરે કેમ્બે રીફટ આવે છે. પાટણમાં આવેલા ભૂકંપ વખતે ખંભાત રીફટ લાઇન એક્ટિવ થઈ હતી અને તેને કારણે ધરા ધ્રુજી હતી. જ્યારે કચ્છમાં રીફટ એક્ટિવ થાય છે, ત્યારે ત્યાં ભૂકંપના આંચકા અનુભવાય છે.’

તેઓ વધુમાં જણાવે છે કે, ‘નર્મદા રીફટ પણ એક્ટિવ છે અને બીજા નંબરે છે. કચ્છ પૂર્વીય ભાગ એક્ટિવ છે. ખંભાત લાઇન પર ઉત્તર ગુજરાત લાઇન એક્ટિવ છે અને ત્રીજા નંબરે છે. નર્મદાનો પશ્ચિમી ભાગ એક્ટિવ છે. કચ્છ અને પાટણના ભૂકંપની ફોલ્ટ લાઇન અલગ છે. જેથી બંને એકસાથે જોડી ન શકાય. પાટણના આંચકા માટે રાજસ્થાનથી ભરૂચ સુધી ફોલ્ટ લાઇન છે.જેમાં ઉત્તર ગુજરાતમાં રાજસ્થાન બોર્ડરની લાઇન માત્ર એક્ટિવ છે. જ્યારે કચ્છના પૂર્વીય ભાગમાં એક્ટિવ લાઇન છે, જેથી ત્યાં ભૂકંપ જોવા મળી રહ્યો છે.’

તેઓ કહે છે કે, ‘ભૂગર્ભમાં આંતરિક ફેરફારના કારણે ભૂકંપ આવી રહ્યા છે. કચ્છ વિસ્તારમાં ભવિષ્યમાં મોટો ભૂકંપનો આંચકો અનુભવાય તેવી શક્યતાઓ છે. કચ્છમાં વધુ ફોલ્ટ લાઇન એક્ટિવ જોવા મળી રહી છે. કચ્છમાં 6 મેજર ફોલ્ટ છે અને તેના કારણે મોટો આંચકો ભૂકંપ આવે તેવી શક્યતા છે. પરંતુ વર્ષ 2001માં જે વિસ્તારમાં ભૂકંપ આવ્યો હતો તે જગ્યાએ પુનઃ આંચકો આવતા હજુ વરસો લાગશે. સૌરાષ્ટ્રમાં આંચકા પાછળનું મુખ્ય કારણ સિઝનલ છે, જે ચોમાસું જવાબદાર હોય છે. સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ બાદ પાણી જમીનમાં ઉતરે છે. તેના કારણે પાણી જમીનમાં દબાણ કરે તે વખતે ભૂગર્ભમાં આંતરિક ફેરબદલીને કારણે સામાન્ય આંચકા આવે છે.’