November 21, 2024

રાજયભરમાં મેઘમહેર: શેત્રુંજી, ભાદર સહિત ડેમ ઓવરફ્લો થવાની સ્થિતિમાં

Gujarat Monsoon: રાજ્યમાં છેલ્લા 2-3 દિવસથી મેઘાવી માહોલ જામ્યો છે. રાજ્યના લગભગ તમામ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ થઈ રહ્યો છે. ત્યારે, વરસાદને કારણે રાજ્યના ડેમોમાં અને મોટા પ્રમાણમાં પાણીની આવક થઈ રહી છે. જેને પરિણામે રાજ્યના લગભગ તમામ ડેમો ઓવરફ્લો થવાની સ્થિતિમાં છે. ભાવનગરનો શેત્રુંજી ડેમ લગભગ ઓવરફ્લો થઈ ગયો છે. તો, પંચમહાલનો કરાડ ડેમ ઓવરફ્લો થવાની સપાટીએ પહોંચી ગયો છે. તો, સૌરાષ્ટ્રનો બીજા નંબરનો સૌથી મોટો ભાદર-1 ડેમ ઓવરફલો થઈ ગયો છે.

ભાવનગરનો શેત્રુંજી ડેમની જલસપાટી 25 ફૂટ થઈ
સાર્વત્રિક વરસાદને કારણે ભાવનગર જિલ્લામાં આવેલ શેત્રુંજી ડેમની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. શેત્રુંજી ડેમમાં હાલ 4181 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે શેત્રુંજી ડેમમાં નવા નીરની આવક થઈ રહી છે. શેત્રુંજી ડેમની સપાટી વધીને 25 ફૂટે પહોંચી ગઈ છે. મહત્વનું છે કે શેત્રુંજી ડેમ 34 ફૂટની સપાટીએ ઓવરફ્લો થાય છે.

પંચમહાલનો કરાડ ડેમ ઓવરફ્લોની સપાટીએ પહોંચ્યો
પંચમહાલ જિલ્લામાં આવેલો કરાડ ડેમ ઓવરફ્લો થવાની સપાટીએ પહોંચતા ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે. છેલ્લે વર્ષ 2019માં કરાડ ડેમ ઓવરફ્લો થયો હતો. હવે, 5 વર્ષ બાદ આ ડેમ સંપૂર્ણ ભરાયો છે. સાર્વત્રિક મેઘમહેર થતાં જ એક દિવસમાં ડેમમાં 45 ટકા પાણીની આવક થઈ છે. ભારે પવન સાથે ડેમમાંથી ઉભરાતા પાણીને નિહાળવા સ્થાનિકો પહોંચ્યા હતા. આ ડેમમાંથી એક જૂથ પાણી પુરવઠા યોજના તેમજ ઘોઘંબા અને કાલોલના 25 ગામમાં ખેડૂતોને સિંચાઈ સુવિધા આપવામાં આવે છે.

 

ભાદર-1 ડેમ ઓવરફલો
સૌરાષ્ટ્રનો બીજા નંબરનો સૌથી મોટો ડેમ એવો ભાદર-1 ડેમ ઓવરફલો થયો છે. ભાદર-1 ડેમ સિઝનમાં સૌ પ્રથમ વાર ઓવરફલો થયો છે. ભાદર-1 ડેમ ઓવરફ્લો થતાં 24 દરવાજા 6 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. 29 દરવાજા પૈકી 24 દરવાજા ખોલવામાં આવ્યા છે. જેને કારણે, જેતપુર, જામકંડોરણા, ધોરાજી સહિતના તાલુકાઓના 22 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. ડેમમાં હાલ 39427 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જેની સામે, 45261 ક્યુસેક પાણીની જાવક થઈ રહી છે. તો, ભાદર-1 ડેમ ઓવરફ્લો થતાં રાજકોટ, જેતપુર, ખોડલધામ જૂથ યોજના, વીરપુર, સહિત આશરે 22 લાખ લોકોને પીવાના પાણીનું સંકટ દૂર થયું છે. સૌરાષ્ટ્રની સૌથી લાંબી કેનાલ મારફતે ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવામાં આવે છે. જેથી, ભાદર ડેમ ઓવરફલો થતા ખેડૂતો અને લોકોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે.