June 28, 2024

Gujarat Monsoon: ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદ, જગતનો તાત ખુશખુશાલ

Gujarat Monsoon: રાજ્યમાં ચોમાસું પધરામણી કરી ચૂક્યું છે પરંતુ હજુ સુધી સાર્વત્રિક વરસાદની રાહ જોવાઈ રહી છે. ત્યારે આજે સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં વરસાદ થયો હતો તો સાથે મધ્ય ગુજરાતનાં કેટલાંક જિલ્લાઓમાં પણ મેઘમહેર જોવા મળી છે.

રાજકોટના જામકંડોરણામાં અનેક સ્થળોએ વરસાદ

રાજકોટ જિલ્લાના જામકંડોરણા શહેર અને ગ્રામ્ય પંથકમાં આજે વરસાદ થયો હતો. કાનાવાડા સાતોદડ, રાજપરા, સાતોદર સહિત ગામોમાં ધીમીધારે એકથી વધુ ઈંચ જેટલો વરસાદ વરસ્યાનું અનુમાન છે. તો, આજે હળવો વરસાદ થતાં ગરમીમાંથી રાહત મેળવવા માટે બાળકોએ વરસાદમાં નાહવાની મજા માણી હતી.

ખાંભા ગીર પંથકમાં ફરી શરૂ ધોધમાર વરસાદ

અમરેલીના ખાંભા ગીર પંથકમાં આજે ફરી ધોધમાર વરસાદ થયો હતો. ખાંભા ગીરના ગામડાઓ પવન સાથે વરસાદ થતાં ખેડુતોમાં ખુશી છવાઈ ગઈ હતી. ખાંભાના મોટા સમઢીયાળા, ઈંગોરાળા સહિત ગામોમાં ધોધમાર વરસાદ થયો હતો. અસહ્ય ગરમી બાદ વરસાદ શરૂ થતાં ગરમીથી લોકોને રાહત મળી હતી.

તો, અમરેલી શહેર અને ગ્રામ્ય પંથકમાં પણ આજે વરસાદ થયો હતો. દેવભૂમિ દેવળીયા, નાના ગોખરવલા, મોટા ગોખરવલા,ચક્કરગઢ ગામમાં વરસાદ થતાં અસહ્ય બફારા થી રાહત મળી હતી.

ભાવનગરના જેસરમાં વરસાદને લઈને ખેડૂતોના પાકને નુકસાન

આજે ભાવનગરના જેસરમાં ભારે પવન સાથે વરસાદી માહોલ સર્જાયો હતો. જોકે, ભારે પવન સાથે વરસાદી માહોલ સર્જાતા કેળાની ખેતી કરતા ખેડૂતોને મોટું નુકસાન થયું હતું. પવનના કારણે ખેતરમાં કેળના વૃક્ષ ઢળી પડ્યા હતા. ખેડૂતના ખેતરમાં રહેલું મહાકાય વૃક્ષ પશુ પર પડતા એક ગાય અને વાછરડાનું મોત પણ થયું છે.

દાહોદના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદનું આગમન

તો આદિવાસી વિસ્તાર ધરાવતા દાહોદના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ થયો છે. દાહોદના લીમડી નગર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ થયો હતો. લીમડી , ટાંડી , મીરાખેડી , જેવા ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ થયો છે.

બનાસકાંઠમાં વાતાવરણમાં પલટો

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર અને અમીરગઢ પંથકમાં આજે વરસાદ થયો છે. અમીરગઢમાં સોનવાડી વેરા ઘાટા સહીતના વિસ્તારોમાં વરસાદ થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી.

વલસાડના અનેક તાલુકાઓમાં ધોધમાર વરસાદ

તો આજે વલસાડ જિલ્લાના અનેક તાલુકાઓમાં પણ ધોધમાર વરસાદ થયો છે. જેમાં, સૌથી વધુ વરસાદ વાપી, ઉંમરગામ અને વલસાડમાં વરસાદ પડ્યો છે. આજે થયેલા ભારે વરસાદને લીધે ઉંમરગામમાં રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. ઉંમરગામ સ્ટેશન વિસ્તાર, સોડસુંબા વિસ્તારમાં રસ્તાઓ પર પાણી ભરાયા હતા. જેને લઈને પાલિકાની પ્રિમોન્સુન કામગીરી પર સવાલો ઉઠ્યાં છે.