‘નમો ડ્રોન દીદી યોજના’માં પાટણની ડિમ્પલ પટેલ રાજ્યમાં પ્રથમ, ચાર મહિનામાં 2 લાખની કમાણી
ભાવેશ ભોજક, પાટણઃ અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી તે કહેવતને મીઠીવાવડી ગામની મહિલા ડિમ્પલ પટેલે સાર્થક કરી છે. સરકારની નમો ડ્રોન દીદી યોજના અંતર્ગત તેમણે પદ્ધતિસરની તાલીમ મેળવી હાલમાં નમો ડ્રોન દીદી તરીકે સમગ્ર જિલ્લામાં પ્રખ્યાત બન્યા છે. ખેતરોમાં ડ્રોન થકી દવા અને ખાતરના છંટકાવમાં તેઓ ગુજરાતમાં પ્રથમ ક્રમે આવ્યા છે. છેલ્લા ચાર મહિનામાં બે લાખની કમાણી કરી લખપતિ દીદી યોજનામાં નોમિનેટ થઈ અન્ય મહિલાઓને આત્મનિર્ભર બનવા માટે પ્રેરણા પુરી પાડી છે.
પાટણ તાલુકાના મીઠી વાવડી ગામના ડિમ્પલ પટેલ ગામમાં લક્ષ્મીબાઈ સખી મંડળ સાથે જોડાયેલા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા નમો ડ્રોન દીદી યોજનાની જાહેરાત કરવામાં આવી, ત્યારે ડિમ્પલ બેનને આ યોજનામાં રસ જાગ્યો અને તેમણે ડ્રોન દીદી તરીકે કામ કરવાનું મનોમન નક્કી કર્યું. આ માટેની માહિતી મેળવી જેને પગલે GNFC ભરૂચના અધિકારીઓએ તેમનો સંપર્ક કર્યો અને આખી યોજના સમજાવી. ત્યારબાદ શીલજ, અમદાવાદમાં તેમને ડ્રોન ઉડાવવા, ડેટા એનાલિસિસ અને ડ્રોનની જાળવણી સંબંધિત તાલીમ આપવામાં આવી.
તાલીમને અંતે GNFC ભરૂચની નારદેશ વિંગ દ્વારા તેમને છ લાખની કિંમતનું ડ્રોન વિનામૂલ્યે ફાળવવામાં આવ્યું. જેના થકી આજે તેઓ પગભર બન્યા છે અને ડ્રોન દીદી તરીકે નવી ઓળખ પ્રાપ્ત કરી છે. ડ્રોન આવતાંની સાથે જ ડિમ્પલબેન પટેલે ગામના ખેડૂતોને, મહિલાઓને ડ્રોનની માહિતી આપવાનું શરૂ કર્યું અને ડ્રોનનું ડેમોસ્ટ્રેશન કરી સમજાવવા લાગ્યા. ત્યારબાદ ધીમેધીમે પાટણ તાલુકામાં અને જિલ્લામાં ડ્રોન દીદી તરીકે તેમની ઓળખ પ્રસ્થાપિત થઈ.
આજે તેઓ સમગ્ર ગુજરાતની 58 નમો ડ્રોન દીદીમાં દવા અને ખાતરના છંટકાવની બાબતમાં પ્રથમ ક્રમે આવ્યા છે. છેલ્લા ચાર મહિનામાં ડિમ્પલ પટેલે 362 એકર જમીન વિસ્તારમાં જંતુનાશક દવા અને ખાતરના છંટકાવ થકી સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. ડિમ્પલ પટેલે ચાર મહિનામાં બે લાખ રૂપિયાની આવક મેળવી લખપતિ દીદી યોજનામાં તેઓ નોમિનેટ થયા છે. મહિને સરેરાશ ત્રીસ હજાર કરતાં વધુ આવક પ્રાપ્ત કરી ડિમ્પલ પટેલ આત્મનિર્ભર બનવાની સાથે મહિલા સશકિતકરણનું ઉત્તમ ઉદાહરણ બની રહ્યા છે.
ખેતરોમાં ઉભા પાકને ઈયળ, જીવાતો અને વિવિધ રોગથી બચાવવા માટે ખેડૂતો દ્વારા પહેલા પંપ વડે હાથેથી દવાનો છંટકાવ કરવામાં આવતો હતો. પરંતુ તેમાં સમય અને પૈસા વધુ થતા હતા તેમ જ દવાનો છંટકાવ યોગ્ય પ્રમાણમાં થતો ન હોવાને કારણે ઉત્પાદન ઉપર તેની અસર થતી હતી. ડ્રોન દ્વારા ખેતરોમાં ઉભા પાક પર દવા અને ખાતરનો છંટકાવ એક સરખો થાય છે. જેમાં ઓછા સમયમાં વધુ કામ થાય છે અને ખેડૂતોને દવા છંટકાવનો પૈસા પણ ઓછા થાય છે. તેમજ પાકમાં જીવાત અને શિયાળોનો નાશ થવાથી ઉત્પાદન પણ સારું મળે છે. જેથી ખેડૂતોને આર્થિક લાભ થાય છે. તદુપરાંત ડ્રોન વડે ખેતરોમાં દવાનો છંટકાવ કરવા બદલ સરકાર દ્વારા ખેડૂતોને સહાય પણ આપવામાં આવે છે.
ડ્રોન દીદી તરીકે ખ્યાતિ મેળવનાર ડિમ્પલબેન પટેલ દ્વારા ગામની અન્ય મહિલાઓને પણ ડ્રોન ઉડાડવા અંગેની તાલીમ આપવામાં આવી રહી છે. ગામના સખી મંડળ સાથે જોડાયેલી મહિલાને તેઓ પોતાની સાથે ખેતરોમાં દવા છંટકાવ કરવા માટે લઈ જાય છે અને તેને પણ આર્થિક મદદની સાથે ડ્રોન ઉડાડવાની અને દવા છંટકાવ અંગેની તાલીમ આપે છે.
મહિલાઓને પગભર બનાવવા માટે સરકારે નમો ડ્રોન દીદી યોજના અમલી કરી છે. જેના થકી રાજ્યની અનેક મહિલાઓ આત્મનિર્ભર બની છે. તેમાં પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના મીઠીવાવડી ગામની મહિલાએ સમગ્ર રાજ્યમાં ડ્રોનથી ખેતરોમાં દવા છંટકાવમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી અન્ય મહિલાઓને પ્રેરણા પૂરી પાડી છે.